October 10, 2024

સુરત ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલમાંથી 7 સેમ્પલ મિસ બ્રાન્ડ, 1 અનસેફ: કુલ 3 લાખનો દંડ

અમિત રૂપાપરા, સુરત: સુરતના લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે અલગ અલગ દુકાનો પરથી ખાદ્ય પદાર્થના સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવે છે. ત્યારે 2023માં ફૂડ વિભાગ દ્વારા 2,223 સેમ્પલ લીધા હતા. જેમાંથી 140 ધારાધોરણ મુજબના જણાયા ન હતા અને ખાસ કરીને 140માંથી 132 સ્ટાન્ડર્ડ અને 7 સેમ્પલ મિસ બ્રાન્ડ અને 1 અનસેફ હોવાનું સામે આવ્યું હતું. તો 3 કેસમાં પાલિકાએ 3 લાખ સુધીનો દંડ પણ કર્યો છે.

સુરતના લોકો ખાણીપીણીના શોખીન ગણાય છે. ત્યારે સુરતનું ફૂડ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. હંમેશા મોજ-મસ્તીમાં રહેતા સુરતીઓ સાથે કોઈ દુકાનદાર આરોગ્ય જોખમાય તેવા પદાર્થોનું વેચાણ ન કરે તે હેતુથી અને હંમેશા સુરતના લોકોનો આરોગ્ય જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા સમયાંતરે ડેરી મીઠાઈ ફરસાણ કે પછી અન્ય ફૂડ પ્રોડક્ટનું વેચાણ કરતા દુકાનદારો કે વેપારીઓ અને ત્યાં તપાસ હાથ ધરવામાં આવે છે. જે તે જગ્યાઓ પરથી અલગ અલગ ખાદ્ય પદાર્થના સેમ્પલ લઈને તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને રિપોર્ટ આવ્યા બાદ જે તે દુકાનદાર ભેળસેળ વાળી વસ્તુનું વેચાણ કરતા ઝડપાય છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

2023ની કામગીરીની વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકાએ એક વર્ષ દરમિયાન ખાદ્ય પદાર્થના 2,223 સેમ્પલો કલેક્ટ કર્યા હતા. જેમાંથી 140 સેમ્પલ ધારા ધોરણ મુજબના જણાયા ન હતા. 140 સેમ્પલમાંથી 132 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું હતું. તો 7 સેમ્પલ મિસ બ્રાન્ડ અને 1 અનસેફ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બાબતે દુકાનદારો સામે એડઝીક્યુટિંગમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે પાલિકાએ ત્રણ કેસમાં 3 લાખ રૂપિયાનો દંડ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સમયાંતરે અને ખાસ કરીને તહેવારો જ્યારે નજીક હોય તેવા સમયે મીઠાઈ અને ફરસાણ સહિતની વસ્તુઓ બનાવતા દુકાનદારોને ત્યાં ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાના 9 ઝોન વિસ્તારમાં આવેલી દુકાનો પર 18 ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવે છે અને જે તે જગ્યા પરથી અખાદ્ય ફૂડનો જથ્થો મળ્યો હોય તો તેનો નાશ પણ કરવામાં આવે છે.

તો બીજી તરફ પાણી તેલ કે, પછી મરી-મસાલાઓ જેવી વસ્તુમાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી શકાય તે માટે સુરત મહાનગરપાલિકા પાસે ફૂડ સેફ્ટી ઓન વિહિકલ પણ છે. જેમાં મરી-મસાલા, દૂધ અને પનીર જેવા પદાર્થોની તાત્કાલિક ચકાસણી કરી શકાય છે અને તાત્કાલિક જ આ વસ્તુઓમાં ભેળસેળ છે કે નહીં તેની માહિતી મળી શકે છે. આ વાન દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં પ્રતિદિન 35થી 40 જેટલા અલગ અલગ દુકાનદારો પાસેથી સેમ્પલો લેવામાં આવે છે તેમજ રેસ્ટોરન્ટ ઉપરાંત રસ્તા પર ફૂડ સ્ટોલ મૂકીને ખાદ્ય પદાર્થનું વેચાણ કરનારા લોકોને ત્યાં તેલની ચકાસણી પણ કરવામાં આવે છે.

પ્રત્યેક દિવસ આ ફૂડ સેફ્ટીવેન સુરત મહાનગરપાલિકાના એક-એક ઝોનમાં આવેલી દુકાનોમાં તપાસ કરે છે અને જે તે જગ્યા પર મરી મસાલા કે, પછી પાણી અથવા તો તેલના ધારા ધોરણ નીચે આવે છે તો તાત્કાલિક જ આવા પદાર્થનો નાશ કરવામાં આવે છે અને દુકાનદારને આ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ ફરીવાર ન કરવા સૂચના પણ આપવામાં આવે છે. જો મોટી માત્રામાં દુકાનદાર દ્વારા કોઈ પણ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરવામાં આવી હોય તો તેની સામે દંડ ઉપરાંત તેનું ફૂડ લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે.

આગામી દિવસોમાં દશેરા અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે અત્યારથી જ ફૂડ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા અને ખાસ કરીને જલેબી ફાફડાનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવી રહ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ જે તે દુકાનદારોના ખાદ્ય પદાર્થના સેમ્પલો ધારા ધોરણ મુજબના નહીં જણાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.