October 17, 2024

પાછોતરા વરસાદે ખેડૂતોની દશા બગાડી, પાકને મોટા પ્રમાણમાં નુકસાન

દશરથસિંહ રાઠોડ, 

 

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વીજળીના કડાકા-ભડાકા સાથે ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોને વ્યાપક પ્રમાણે નુકસાની વેઠાવાનો વારો આવ્યો છે. આ છે અમરેલી જિલ્લાના ખાંભા ગીર ભાડ ગામ ચોમાસાની સિઝનમાં ખૂબ સારો એવો વરસાદ વરસ્યો હતો. ખેડૂતો એ વાવણી ખૂબ સારી એવી કરી હતી. સમયસર વરસાદ વરસતા ખેડૂતોની મોલાત પણ ખૂબ સારી હતી. પરંતુ ખેડૂતોના તૈયાર પાક થયો હતો તેના ઉપર ત્રણ ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસતા મગફળી, સોયાબીન, તલ સહિતના પાકને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે

ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં આસો માસમાં અષાઢી જેવો માહોલ છવાયો છે. ખેડૂતોના ઉભા પાક અને તૈયાર પાકને વ્યાપકપણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ મગફળી સહિતના પાક વાડી પડામાં કાઢી નાખ્યાં હતાં. વાડી પડામાં ખેડૂતોનો પાક પડ્યા હતા, તેના ઉપર છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસતા ખેડૂતોનો તૈયાર પાક વરસાદી પાણીથી પલળી ગયો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો કુદરતે છીનવી લીધો હોય તેવો ઘાટ ઘડાયો છે.

ખાંભા ગીરના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસોથી સતત વરસાદ પાડતા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, તલ સહિતના પાકમાં નુકસાન થયું છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવાના ખર્ચા અને રાતના ખેડૂતોએ પાકના રખોપા રાખ્યા હતા અને પાક તૈયાર કર્યો હતો. ત્યારે આ ખેડૂતો માટે આફતરૂપ વરસાદ વરસતા ખેડૂતોનો મોટાભાગનો પાક વરસાદે બગાડ્યો છે. આ સાથે સાથે ખેડૂતોના પશુઓ માટે ચારો પણ આ વરસાદે બગાડ્યો છે.

ચોમાસાની સિઝનમાં છેલ્લા છેલ્લા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યાં છે. ખેડૂતો ઉનાળું-શિયાળું વાવેતર કરતા હોય છે. ત્યારે માવઠાંનો માર ખેડૂતોને સહન કરવો પડે છે. ત્યારે આ ચોમાસામાં પાછોતરા વરસાદથી ખેડૂતોમાં પાકને નુકસાન પહોચ્યું છે. ત્યારે ખેડૂતની માગ છે કે સરકાર સરવે કરી યોગ્ય વળતર આપે તેવી માગ કરી રહ્યા છે.