October 18, 2024

નારાયણ સાંઈને HCએ 4 કલાકના જામીન આપ્યાં, જોધપુર જેલમાં પિતા આસારામને મળશે

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે નારાયણ સાંઇને આખરે જામીન આપ્યા છે. નારાયણ સાંઈ પિતા આસારામને મળી શકશે. ઉલ્લેખનીય છે કે, નારાયણ સાંઈ લાજપોર જેલમાં બંધ છે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે લેખિતમાં આદેશ આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે જોધપુર જેલમાં આસારામ સાથે 4 કલાક મુલાકાત કરવાની નારાયણ સાંઈને મંજૂરી આપી છે. જેલમાં પિતા-પુત્રની મુલાકાત દરમિયાન અન્ય કોઈને હાજર ન રાખવા હુકમ કરવામાં આવ્યો છે. માતા અને બહેનને મળવાની મંજૂરી આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. છેલ્લા 11 વર્ષથી પિતા આસારામ સાથે મુલાકાત ન કરી હોવાથી અરજી મંજૂર કરી છે.

નારાયણ સાંઈને સુરત જેલથી હવાઈ માર્ગે જોધપુર લઈ જવામાં આવશે. તેમની સાથે 1 ACP, 1 PI, 2 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલના જાપ્તો મોકલવામાં આવશે. નારાયણ સાંઈને અવરજવરના ખર્ચ પેટે 5 લાખની રકમ જમા કરાવવા હુકમ કર્યો છે. 5 લાખની રકમ સચિન પોલીસ મથકે જમા કરાવવા કોર્ટે આદેશ આપ્યો છે. સચિન પોલીસ મથકે ડિપોઝિટ જમા કરાવ્યા બાદ સરકાર નિર્ણય લેશે.

ડિપોઝિટ જમા કરાવ્યા બાદ અવરજવરના સમય અંગે સરકાર નિર્ણય લેશે. જોધપુર જેલમાં મુલાકાત બાદ પરત લાજપોર જેલ લાવ્યા બાદ રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરવા હુકમ ફરમાવવામાં આવ્યો છે.