October 19, 2024

નવા વાડજની રામ કોલોનીમાં અસામાજિક તત્વોનો આતંક, વાહનો-દુકાનોમાં તોડફોડ

અમદાવાદઃ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે. જાણે આવારા તત્વોને પોલીસનો કોઈ ડર જ નથી તેવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે. પહેલાં ઘાટલોડિયા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. હવે નવા વાડજમાં આવેલી રામ કોલોનીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે.

નવા વાડજ વિસ્તારમાં આવેલી રામ કોલોનીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. જૂની અદાવત રાખી રામ કોલોનીમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. મહિના પહેલાં મહિલાની છેડતી કરતા રહીશો અને અસામાજિક તત્વો વચ્ચે બબાલ થઈ હતી. તેની અદાવત રાખીને અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો.

રામ કોલોનીમાં 20થી 25 ફોર વ્હિલર અને ટુ વ્હિલરમાં તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત ત્યાં આવેલી દુકાનો અને ઓફિસોમાં પણ તોડફોડ કરીને મોટાપાયે નુકસાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તોડફોડને લઈને રહીશોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યાં રહેતા રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. ત્યારે આ મામલે પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે.