October 21, 2024

નેતન્યાહુના નિવાસસ્થાન પર હુમલા બાદ ગાઝામાં તબાહી, હવાઈ હુમલામાં 73 લોકોના મોત

Gaza: ઈઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાને ડ્રોને નિશાન બનાવ્યું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઈઝરાયલે બેરૂતના દક્ષિણી ઉપનગર દહિયાહ પર ઓછામાં ઓછા ત્રણ હવાઈ હુમલા કર્યા. જ્યાં હિઝબુલ્લાહની ઓફિસો છે. ગાઝામાં ઇઝરાયલી દળોએ પેલેસ્ટિનિયન પ્રદેશના ઉત્તર ભાગમાં આવેલી હોસ્પિટલોને નિશાન બનાવી હતી અને હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર 24 કલાકથી ઓછા સમયમાં આ હુમલામાં બાળકો સહિત 73થી વધુ લોકો માર્યા ગયા હતા.

ગયા વર્ષે ઑક્ટોબર 7ના ઘાતક હુમલાના માસ્ટરમાઇન્ડને માર્યા ગયા પછી લેબનોનમાં હિઝબુલ્લાહ અને ગાઝામાં હમાસ સાથે ઈઝરાયલનું યુદ્ધ બંધ થવાના કોઈ સંકેતો દેખાતા નથી. ઈઝરાયલ સરકારે કહ્યું કે લેબનોનથી રોકેટ ફાયરિંગને જોતા શનિવારે ઈઝરાયલમાં સાયરન વાગ્યું અને તેની સાથે સૈસરિયામાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાન તરફ ડ્રોન હુમલો કરવામાં આવ્યો.

વડાપ્રધાનના આવાસ પર હુમલો
વડા પ્રધાનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે હુમલો થયો ત્યારે નેતન્યાહૂ કે તેમની પત્ની વડા પ્રધાનના આવાસ પર હાજર ન હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે હિઝબુલ્લાએ ડ્રોન હુમલાની જવાબદારી સ્વીકારી ન હતી. પરંતુ તેણે કહ્યું હતું કે તેણે ઉત્તરી અને મધ્ય ઈઝરાયલ પર અનેક રોકેટ હુમલા કર્યા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈઝરાયલ આ મહિનાની શરૂઆતમાં ઈરાનના હુમલાનો જવાબ આપે તેવી અપેક્ષા છે.

હિઝબુલ્લાહને ઈરાનનું સમર્થન
લેબનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહને ઈરાનનું સમર્થન છે. હિઝબુલ્લાહે શુક્રવારે કહ્યું હતું કે તેણે વધુ માર્ગદર્શિત મિસાઇલો અને વિસ્ફોટક ડ્રોન વડે ઈઝરાયલ પર હુમલો કરીને લડાઈનો નવો તબક્કો શરૂ કરવાની યોજના બનાવી છે. હકીકતમાં હિઝબુલ્લાહના મુખ્ય નેતા હસન નસરાલ્લાહ સપ્ટેમ્બરના અંતમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ત્યારબાદ ઈઝરાયલે ઓક્ટોબરની શરૂઆતમાં તેની સેના લેબનોન મોકલી હતી.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન.. ડુબશે દેશના આ રાજ્ય, મચી જશે તબાહી

ગાઝામાં હમાસ સાથે યુદ્ધ ચાલુ
બીજી તરફ ગાઝામાં હમાસ સાથે ઈઝરાયલનું યુદ્ધ પણ ચાલી રહ્યું છે. ઈઝરાયલી સૈનિકોએ ગુરુવારે હમાસના ટોચના નેતા યાહ્યા સિન્વરની હત્યા કરી હતી. જેના પછી બંને વચ્ચે યુદ્ધ અટકવાની શક્યતા ઓછી જણાઈ રહી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ શુક્રવારે કહ્યું કે સિનવારનું મૃત્યુ દુ:ખદ નુકશાન છે. તેણે એમ પણ કહ્યું કે સિનવાર પહેલા ઘણા પેલેસ્ટિનિયન નેતાઓની હત્યા થઈ હોવા છતાં હમાસ તેનું અભિયાન ચાલુ રાખી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે હમાસ જીવિત છે અને જીવંત રહેશે.