October 21, 2024

અમરેલીમાં વહેલી સવારથી ભારે વરસાદ, નાનુડી નદીમાં પૂર આવ્યું

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને ખાંભા અને ગીરના ગામડાઓમાં મુશળધાર વરસાદ પડવાથી ખાંભાની નાનુડી નદીમાં પૂર આવ્યું હતું. પૂર આવવાના પગલે નાનુડી ચેકડેમ પણ છલકાયો હતો.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી હતી.

પીપળવા, ગીદરડી, ઉમરીયા, લાસા, ભાણીયા સહિતના ગામોમાં વીજળીના કડાકાભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેના પગલે નદી નાળાઓ છલકાયા હતા. બીજી બાજુ ખેડૂતોના મગફળી, તલ, સોયાબીન સહિત પાકને વ્યાપકપણે નુકસાન થયું હતું અને ખેડૂતો ચિંતિત બન્યા હતા.