October 22, 2024

નકલી જજ મામલે નવો ખુલાસો, આખરી હુકમના નામે 11 કરોડની માગણી

અમદાવાદઃ નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચન મામલે વધુ એક ખુલાસો થયો છે. ગુજરાત હાઇકોર્ટે નકલી જજ સામે કંટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટીસ કાઢી હતી. વર્ષ 2006-2007નાં એક વિવાદમાં નકલી જજે નકલી હુકમ કર્યો હતો. ‘ફાઇનલ અવોર્ડિંગ’ એટલે કે આખરી હુકમનાં નામે કરેલા ઓર્ડરમાં 11 કરોડ 25 લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો.

આરોપીએ આર્બિટ્રેશનના નામે 15 લાખ રૂપિયા જમા કરાવવા પણ આદેશ કર્યો હતો. આ સમગ્ર મામલે GMDC દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.

નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને આર્બિટ્રેટર તરીકે જાહેર કરી શકે નહીં તે પ્રકારે હાઇકોર્ટે હુકમ કર્યો હતો. આ સમગ્ર મામલે 03.09.2015ના રોજ મોરીસને ફરમાન કાઢ્યું હતું. આ સિવાય રૂબરૂ હાઇકોર્ટમાં હાજર રહેવા માટે કહ્યુ હતું. કોર્ટના હુકમ બાદ પણ કોર્ટમાં ગેરહાજર રહી બરોબર હુકમ કરવાનું ચાલું રાખ્યું હતું.

હાઇકોર્ટે સમગ્ર ઘટનાને ગંભીર જણાવી આખરી હુકમને રદ કર્યો હતો. કોર્ટે મોરીસને આ પ્રકારે ભવિષ્યમાં કંઈ ન કરવા ચેતવણી આપી હતી. કોર્ટની ચેતવણી બાદ પણ મોરિસ દ્વારા લોકોને છેતરવાની ઘટના સામે આવી છે.