October 23, 2024

તમારે કોઈ ટ્રાન્સલેટરની જરૂર નથી, પુતિને કરી PM મોદી સાથે મજાક…

PM Modi reach Russia: PM નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી, જેમાં વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન પુતિનનો મજાકિયો અંદાજ પણ જોવા મળ્યો હતો. વાતચીત દરમિયાન પુતિને કંઈક એવું કહ્યું કે પીએમ મોદી પણ જોર જોરથી હસવા લાગ્યા. હકિકતે, પુતિન ભારત અને રશિયાના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે એવા સંબંધો છે જેને સમજવા માટે કોઈ ટ્રાન્સલેટરની જરૂર નથી.

પુતિને હળવા સ્વરમાં કહ્યું, મારા શબ્દો સમજવા માટે તમારે કોઈ ટ્રાન્સલેટરની જરૂર નથી, અમારી વચ્ચે એવો સંબંધ છે કે મને લાગ્યું કે તમારે ટ્રાન્સલેટરની જરૂર નથી. પુતિનની આ વાત સાંભળીને પીએમ મોદી પણ હસવાનું રોકી શક્યા નહીં. આ પહેલા બેઠક દરમિયાન બંને નેતાઓએ એકબીજાનું ઉષ્માભેર સ્વાગત કર્યું અને ગળે લગાવ્યા. ભારત અને રશિયા વચ્ચેના મજબૂત સહયોગનો ઉલ્લેખ કરતા પુતિને કહ્યું, “અમે ભારત-રશિયાના સહયોગને અત્યંત મહત્ત્વ આપીએ છીએ, કારણ કે બંને દેશો બ્રિક્સના સ્થાપક સભ્યો છે. અમે અમારી વિધાનસભાઓ વચ્ચેનો સહકાર, વિદેશ મંત્રીઓ વચ્ચે સતત સંવાદ અને વેપારમાં સકારાત્મક વૃદ્ધિ જોઈ રહ્યા છીએ.”

કાઝાનમાં આયોજિત બેઠકમાં પુતિને કહ્યું કે બ્રિક્સની અંદર સહયોગને વધુ મજબૂત કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે. બેઠકમાં રશિયા-યુક્રેન સંઘર્ષ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની સ્થિતિનું પુનરાવર્તન કર્યું. વધુમાં પીએમ મોદીએ કહ્યું, અમે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર સતત સંપર્કમાં છીએ. મેં અગાઉ કહ્યું તેમ, અમારું માનવું છે કે સમસ્યાઓનો શાંતિપૂર્વક ઉકેલ લાવવો જોઈએ.” વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે ભારત શાંતિ અને સ્થિરતાની વહેલી વાપસીનું સંપૂર્ણ સમર્થન કરે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ અને ભારત આ માટે શક્ય તમામ સહયોગ આપવા તૈયાર છે. મોદીએ 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયાના કઝાન શહેરમાં પહોંચ્યાના કલાકો બાદ પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બ્રિક્સના સફળ અધ્યક્ષપદ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને અભિનંદન આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે હવે ઘણા દેશો આ સમૂહમાં જોડાવા માંગે છે.