વિદેશ જવાની લાલચમાં સુરતના શખ્સને લાગ્યો 21 લાખનો ચૂનો
અમિત રૂપાપરા, સુરત: લોકો વિદેશ જવાની લાલચમાં વિઝા માટે લાખો રૂપિયા ખર્ચ કરી દેતા હોય છે. પરંતુ, કેટલીક વખત લોકો આ વિઝા મેળવવા માટે છેતરપિંડીનો પણ ભોગ બનતા હોય છે. આ ઘટના સુરતના એક વ્યક્તિએ વિઝા માટે 21 લાખ રૂપિયાનો ખર્ચ કર્યા છતાં પણ વ્યક્તિને વિઝા નહીં મળતા અંતે પોતે છેતરાયો હોવાનું માલુમ થતા તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ઉધના પોલીસે આ બાબતે 21 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધીને ચિરાગ સિહોરા નામના ઈસમની ધરપકડ કરી છે.
સુરતમાંથી વિદેશમાં કામ કરવા જવા ઘણા લોકો ઇચ્છતા હોય છે અને વિદેશમાં વર્ક વિઝા કરાવવા લોકો માટે ખૂબ જ અગત્યના હોય છે પરંતુ કેટલાક લેભાગુ તત્વો આ વર્ક વિઝાના નામ પર લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. ત્યારે સુરતના એક વ્યક્તિને વર્ક વિઝા કરાવવા ભારે પડ્યા અને 21 લાખની છેતરપિંડીનો ભોગ બન્યા બાદ તેને પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી. ઉધના પોલીસ સ્ટેશનમાં 21 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. તેમાં આરોપી ચિરાગે ફરિયાદી પાસેથી વર્ક પરમિટ વિઝા કઢાવી આપવાના બહાને રોકડા રૂપિયા 21 લાખ રૂપિયા લીધા હતા અને ત્યારબાદ ફરિયાદીને કોઈપણ પ્રકારના વિઝા અપાવ્યા ન હતા.
આ સમગ્ર મામલે ઉધના પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે આરોપી ચિરાગ સિહોરા અમદાવાદ ખાતે ફરી રહ્યો છેમ ત્યારે ટેકનિકલ સર્વેન્સ અને ઇન્ટેલિજન્સના માધ્યમથી ઉધના પોલીસે ફરિયાદ નોંધાતા આરોપી ચિરાગ સિહોરાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે. આરોપી અમદાવાદના નિકોલ ગામ પાસે સહજાનંદ પાર્કનો રહેવાસી છે. તો ચિરાગ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે આ પ્રકારે વિઝાના નામે છેતરપિંડી કરી ચૂક્યો છે તે બાબતે પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.