January 3, 2025

નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી

નર્મદાઃ દેશ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ પહોંચીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામી પણ ઝીલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા.

દેશની આઝાદી બાદ વિવિધ રજવાડાંઓના ભારતમાં વિલીનીકરણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આ જ કારણ છે કે તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓ પૈકીની એક સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લશ્કરી પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી 16 માર્ચિંગ ટુકડીઓએ ભાગ લીધો હતો. આ સાથે સશસ્ત્ર દળો બહાદુરી દર્શાવતા અનેક પ્રદર્શનો પણ કર્યા છે. પીએમઓ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ભારતીય વાયુસેનાના વિમાન ફ્લાયપાસ્ટ કરશે અને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે.

સરદાર પટેલની જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું છે કે, ‘ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર મારી હાર્દિક શ્રદ્ધાંજલિ. રાષ્ટ્રની એકતા અને સાર્વભૌમત્વની રક્ષા એ તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. તેમનું વ્યક્તિત્વ અને કાર્ય દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે.’