દાહોદમાં પરંપરાગત ગાય ગોહરીના તહેવાર સાથે અનોખી રીતે નવા વરસની ઉજવણી
નીલુ ડોડિયાર, દાહોદઃ જિલ્લામાં અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. પરંપરાગત થતી આ ઉજવણી ગાય ગોહરીના નામે ઓળખવામાં આવે છે. જેમાં લોકો માનતા પૂરી કરવા માટે દોડતી ગાય નીચે સૂઈ જાય છે.
દાહોદ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. દિવાળી પર્વની ખૂબ જ અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં દાહોદ જિલ્લાનાં ગાગરડી, ગરબાડા, દાહોદ, લીમડી, અભલોડ ગામે નવા વર્ષના દિવસે ગાય ગોહરીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. આ ગાય ગોહરીના તહેવારમાં વિવિધ સમાજના લોકો દ્વારા નવા વર્ષના દિવસે વહેલા ઉઠી ગાયોને અલગ અલગ કલરથી સુશોભિત કરવામાં આવે છે.
આગલા દિવસે પશુધન જે ગાય ગોહરીમાં જવાની હોય તે પશુઓને ગોળની રાબ પીવડાવામાં આવે છે. જેથી જ્યારે પશુઓ આટલા મોટા ટોળામાં જાય ત્યારે ઇમ્યુનિટી વધતી હોય છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, જેમ લગ્ન પહેલાં કન્યાને સજાવવામાં આવે છે, તેમ પશુઓને પણ કલર, મહેંદી, પગ અને ગળામાં ઘૂઘરા સાથે કૃષ્ણ ભગવાનને પ્રિય એવા મોરપંખ લગાવી સજાવવામાં આવે છે.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી, ઝાલોદ અને લીમડીમાં ઉજવાતા આ તહેવારમાં સૌપ્રથમ ગામની અંદર આવેલા માતાજીના મંદીરે આરતી અને સ્તુતિ કર્યા બાદ ગાયોનાં ટોળા આવતા હોય છે. આ ટોળામાં ગાયો એક-બે નહી પરંતુ ખુબ જ મોટી સંખ્યામાં હોય છે. ગાયોને ગામના ચોકમાં દોડાવવામાં આવે છે. ત્યારબાદ ઢોલના સથવારે લોકો પોતાની બાધા રાખેલા ભાઈઓ દંડવત પ્રણામ કરી જમીન પર ઉંધા સૂઇને ગાય ગોહરી પડે છે. ગાયના ઝુંડ તેમના શરીર ઉપરથી પસાર થાય છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે અને આમાં કોઈને આજદિન સુધી કોઈપણ ઇજા અથવા ખરોચ પણ પડતી નથી.
પૌરાણિક માન્યતા પ્રમાણે, ખેતી કામ દરમિયાન ગાય માતા અથવા પશુઓને જો ભૂલથી માર માર્યો હોય તો ગાય માતા અને પશુઓની માફી આ રીતે માંગીને બાધા પૂર્ણ કરવામાં આવે છે. તેમજ ઉત્સાહભેર ઉજવાતા ગાય ગોહરીનાં પર્વને માણવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતું હોય છે.