જાણો કોલ્ડપ્લે શું છે, જેણે ઈન્ટરનેટ જગતમાં તોફાન મચાવ્યું
અમદાવાદઃ શહેરમાં 25 અને 26 જાન્યુઆરીના દિવસે કોલ્ડપ્લેને કોન્સર્ટ યોજાવવાનો છે. ત્યારે તેને લઈને લોકોમાં ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 25મી જાન્યુઆરીના શો માટે બુક માય શોમાં ટિકિટ બુકિંગ ફુલ થઈ ગયું છે. ત્યારે હવે 26મી જાન્યુઆરીના રોજ યોજાનારા કોન્સર્ટ માટે બુકિંગ ચાલુ છે.
કોલ્ડપ્લે શું છે?
મુંબઈમાં કોલ્ડપ્લેના કોન્સર્ટ બાદ હવે અમદાવાદમાં તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોલ્ડપ્લે બેન્ડનું ગ્રુપ અંદાજે 9 વર્ષ પછી ભારતમાં પર્ફોર્મ કરવા જઈ રહ્યું છે. ત્યારે લોકોમાં આ કોન્સર્ટ માટે ભારે ક્રેઝ દેખાઈ રહ્યો છે. આ બેન્ડ 2022થી મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે. તેની યાદીમાં મુંબઈ બાદ હવે અમદાવાદ પણ સામેલ થઈ ગયું છે. આ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સહિત 4 સભ્ય છે. જ્યારે ગ્રુપનો મેન્જર ફિલ હાર્વે છે.
કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત કેવી રીતે થઈ?
આ બેન્ડની શરૂઆત ક્રિસ માર્ટિન અને જોની બકલેન્ડે કરી હતી. બંનેની મુલાકાત વર્ષ 1996માં લંડન યુનિવર્સિટીમાં થઈ હતી. ત્યારપછી ક્રિસ અને જોનીએ સાથે પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે બંને ‘બિગ ફેટ નોઈઝ’ અને ‘પેક્ટોરલ્સ’ તરીકે જાણીતા હતા. થોડા સમય પછી બેરીમેન બંનેને મળ્યો હતો અને તે પણ બેન્ડમાં જોડાયો હતો. ત્યારબાદ બેન્ડનું નામ બદલીને ‘સ્ટારફિશ’ રાખવામાં આવ્યું હતું. થોડા સમય બાદ ફરીથી નામ બદલી નાંખવામાં આવ્યું અને નવું નામ મળ્યું કોલ્ડપ્લે. ‘એ રશ ઓફ બ્લડ ટુ ધ હેડ’ આલ્બમ માટે બેન્ડે ‘ધ સાયન્ટિસ્ટ’ ગીત લખ્યું હતું. બેન્ડની શરૂઆતના ચાર વર્ષ પછી તેણે 2 હજારમાં તેનું પહેલું સ્ટુડિયો આલ્બમ રજૂ કર્યું હતું, જેનું શીર્ષક ‘પેરાશૂટ્સ’ હતું. કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત ‘શિવર’ હતું. કોલ્ડપ્લે બેન્ડે વર્ષ 2016માં ભારતમાં પર્ફોર્મ કર્યું હતું.