આગામી ત્રણ દિવસ બાદ પડશે હાડ થીજવતી ઠંડી, સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો
અમદાવાદઃ ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આગામી સમયમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ત્રણ દિવસ આવું જ વાતાવરણ યથાવત રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ‘ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી વધારે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધારે છે.’
તેઓ કહે છે કે, ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પવનની દિશા ઉત્તર-પૂર્વ છે, તે બદલાશે ત્યારબાદ ઠંડીનો ચમકારો અનુભવાશે.