December 5, 2024

અમદાવાદમાં એક કા ચાર કરવાનું કહીને ઠગતો તાંત્રિક ઝડપાયો

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં તાંત્રિકે એક કા ચાર કરી આપવાનું કહીને ષડ્યંત્ર રચ્યું હતું. ફેક્ટરીના માલિકને તાંત્રિક વિધિના નામે સોડિયમ નાઈટ્રેટ નેનો 3 પીવડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવી છે. ક્રાઇમ પેટ્રોલ શો જોઈને ભુવાએ કાવતરું ઘડ્યું હતું. સરખેજ પોલીસે તાંત્રિકને ઝડપીને ફેકટરીના મલિકનો જીવ બચાવ્યો છે.

તાંત્રિક વિધિ કરીને લોકોને મૂર્ખ બનાવતો આ આરોપી નવલસિંહ ચાવડા છે. ખુદને મહાણી મેલડી માતાનો ભુવો કહેતા આ આરોપીએ ફેકટરીના માલિકને તાંત્રિક વિધિના નામે લૂંટ વીથ હત્યાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સરખેજ વિસ્તારમાં રહેતા અને ચાંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિગ ફેકટરીના માલિક અભિજિતસિંહ રાજપુત અને ભૂવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિદ્યા જાણતા હોવાથી એક રૂપિયાના ચાર ગણા કરી આપવાની લાલચ આપીને ઠગાઈ કરી હતી.

આરોપીએ છેતરપિંડી સાથે લૂંટ વિથ હત્યાનું પણ કાવતરું રચ્યું હતું. ફેકટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથન ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે ફેકટરીના માલિકને પાણી કે દારૂમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ સોડિયમ નાઈટ્રેટ નેનો નામનું પ્રવાહી પીવડાવતા અકસ્માત કે હાર્ટ એટેકથી માણસનું મૃત્યુ થઈ જાય છે. જેથી ભૂવાને આપેલા રૂપિયા પરત ના આપવા પડે અને યુવકનો મૃત્યુ થઈ જાય તેવું ષડયંત્ર રચ્યું હતું પરંતુ સરખેજ પોલીસને ભુવા અંગે બાતમી મળતા તેમને એક યુવાનનો જીવ બચાવ્યો હતો અને તાંત્રિકની કરતૂતોનો પર્દાફાશ કરી ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી નવલસિંહ ચાવડા મૂળ વઢવાણનો રહેવાસી છે અને થોડા દિવસ પહેલા અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો છે. આરોપી વઢવાણમાં મહાણી મેલડી માતાનો મઢ આવેલો છે ત્યાં ભુવાજી તરીકે તાંત્રિક વિધિ કરતો હતો. એટલું જ નહિ, આ ભુવાજીની યૂ-ટ્યુબપર મોજે મસાણી નામની ચેનલ બનાવી છે. જેમાં તાંત્રિક વિદ્યા કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આરોપી ખુદને મેલડી માતાનો ભૂવો કહીને તાંત્રિક વિધિના નામે એક રૂપિયાના ચારગણા કરી આપવાનું કહીને વિશ્વાસ કેળવતો હતો. ભુવાના ચુંગાલમાં ફસાયેલો ફેકટરીનો માલિક તેના કૌટુંબિક સંબંધી થાય છે. આરોપીએ આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપીંડી આચરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ખાસ કરી આ ભુવાજી ક્રાઇમ પેટ્રોલ શો વધારે જોતો હતો અને તેનાથી પ્રેરણા મેળવીને આરોપી નવલસિંહ ચાવડાએ સોડિયમ નાઈટ્રેટ નેનો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ સોડિયમ નાઇટ્રેટ કોઈ બહારની લેબમાંથી ખરીદ્યું હતું. સરખેજ પોલીસે આરોપી ધરપકડ કરીને સોડિયમ નાઈટ્રેટ પાવડર કબજે કરી એફએસએલની મદદ લઈ તપાસ કરી રહી છે.

મહત્વનું છે કે, આરોપી નવલસિંહે ફેકટરીના માલિક અભિજિતસિંહને 15 લાખના રોકાણ પર 45 કે 90 લાખ કરવાની લાલચ આપી હતી. પરંતુ ફરિયાદી પાસે ચારથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. જેથી ભુવાજીએ ત્રણગણા પૈસા વિધિ બાદ આપવાનું કહ્યું હતું. પરંતુ તે પહેલાં પોલીસે ભુવાજીને ઝડપી લીધો હતો. આ ભુવાજીએ તાંત્રિક વિધિથી અનેક લોકોનો ભોગ લીધો હોવાની આશંકા છે જેને લઇ પોલીસે તપાસ શરૂ કરી છે.