December 18, 2024

અમરેલી જિલ્લામાં 11 મુન્નાભાઈની નકલી પ્રેક્ટિસ, રિયાલિટી ચેકમાં મોટો પર્દાફાશ

દશરથસિંહ રાઠોડ, અમરેલી: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય ત્યારે તંત્રને ભાન આવે છે. પરંતુ તે પહેલા કોઈ પણ પ્રકારની તકેદારી કે તપાસ કરવામાં આવતી નથી. આવું જ કંઈ અમરેલીમાં સામે આવ્યું છે. અમરેલી જિલ્લામાં પણ ડિગ્રી વગરના ડોક્ટરનો રાફડો ફાટ્યો છે. ન્યૂઝ કેપિટલના રિપોર્ટર પોતે સારવાર લેવા પહોંચ્યા હતા, તે સમયે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. કમાણી કરવા બેઠેલા આ ડોક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 11 જેટલા ડુબલીકેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો ઝડપાયા છે.

આ પણ વાંચો: આવતીકાલે બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે

અમરેલીમાં ડોક્ટરો ઝડપાયા
અમરેલી જિલ્લામાં ભોળી જનતાને બોગસ ડોક્ટરો રમાડી રહ્યા છે. ન્યૂઝ કેપિટલના રિપોર્ટર પોતે સારવાર લેવા પહોંચ્યા ત્યારે ભાંડો ફૂટ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે તાતણીયા ગામે ડો. હસુભાઈ બગખથલીયા નામના ડોક્ટર વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેની સાથે ખાંભાના તાતણીયા ગામે બે થી ત્રણ ડોક્ટરો વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. અમારી તપાસની જ્યારે તેમને સમજ આવી તો ક્લિનિક બંધ કરીને આ બોગસ ડોક્ટરો નાસી ગયા હતા. અમારી ટીમે લોકો સાથે વાત કરતા જાણ મળી કે ખાંભા ગીરના ખડાધાર બોરાળા, તાલડા, સાળવા રબારીકા સહિત ગામોમાં પણ આ પ્રકારે બોગસ ડોક્ટરો છે. તેની સાથે ખાંભા રાજુલા ધારી સાવરકુંડલા વિસ્તારમાં પણ આ પ્રકારે બોગસ ડોક્ટરો ભોળી જનતાને રમાડી રહ્યા હતા. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડોક્ટરો સામે કાર્યવાહી કરવા ઉઠી માંગ કરી રહ્યા છે.