December 19, 2024

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: PM મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી

BAPS Suvarna Karyakar Mahotsav: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી હતી કારણ કે, ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લેશે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાત, સહિત અન્ય રાજ્યો અને વિદેશથી 1 લાખથી વધુ કાર્યકરો અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહ્યા છે. ત્યારે મહંત સ્વામી મહારાજ સૌ કાર્યકરોને આશીર્વાદ આપવા માટે સ્ટેડિયમમાં પધાર્યા છે. સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમથી સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સુવર્ણ કાર્યકર મહોત્સવનું દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું છે. આ દરમિયાન મહંત સ્વામી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંચ પર પહોંચ્યા હતા. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પુષ્પ માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.

PM નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધનમાં કહ્યું હતું, કે ‘હું ભલે તમારી વચ્ચે ઉપસ્થિત ન થઈ શક્યો પણ આ આયોજનની ઉર્જા અનુભવી શકું છું. આ દિવ્ય કાર્યક્રમ માટે મહંત સ્વામી તથા સંતોનું અભિવાદન તથા નમન કરું છું. કાર્યકર સુવર્ણ મહોત્સ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાનો ઉત્સવ છે. મારું સૌભાગ્ય છે કે હું BAPSના સેવા કાર્યો સાથે હું જોડાઈ શક્યો.

PM મોદીએ યુક્રેન યુદ્ધ સમયનો કિસ્સો યાદ કરતાં કહ્યું હતું, કે ‘ભુજમાં ભૂકંપ, કેરળમાં પૂર તથા કેદારનાથમાં આવેલી આફતમાં BAPSના કાર્યકરો પરિવાર ભાવથી સેવા કરી હતી. કોરોનાકાળમાં BAPSના મંદિર સેવા કેન્દ્રમાં બદલાઈ ગયા હતા. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ભારતીયો યુક્રેનથી પૉલેન્ડ પહોંચી ગયા હતા. તે સમયે મેં BAPSના એક સંત સાથે અડધી રાતે વાત કરી. મેં તેમને આગ્રહ કર્યો કે જે ભારતીય પૉલેન્ડ પહોંચી રહ્યા છે તેમની મદદ માટે મને તમારો સહયોગ જોઈએ. અને રાતોરાત આખા યુરોપથી BAPSના કાર્યકરો મદદ માટે આગળ આવ્યા હતા.’

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં ભારતમાં સૌ પ્રથમવાર એક લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે. સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે. આ પ્રસંગે સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ અપાશે. સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનલોજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર થશે. આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે. આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ છે.  સાંજે 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.