December 12, 2024

HNGUમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા, વોર્ડન પર કાર ચડાવવાનો પ્રયાસ

ભાવેશ ભોજક, પાટણઃ જીમખાનામાં યોજાયેલી રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાના ખેલાડીઓને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઋષા હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા. તેમાંથી રૂમ નંબર છના ત્રણ જેટલા વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. ફરજ પરના સિક્યુરિટીએ તેમને અટકાવતા તેમની સાથે બોલાચાલી કરી ગાડી લઈ નાસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગાડીને રોકવા જતા ગાડી તેમની ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય સિક્યુરિટી ગાર્ડ તેમજ કર્મચારીઓ મેઇન ગેટ બંધ કરી દેતા ગાડી ઉભી રહેતા ત્રણેય વિદ્યાર્થીઓને પકડી બી-ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિદેશી દારૂને લઈને વિવાદમાં આવી છે. ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા પાટણ રમતગમત સંકુલમાં બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતભરના ખેલાડીઓ આ બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા. ત્યારે બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેનાર મોટાભાગના વિદ્યાર્થીઓને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઋષા બોયઝ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે ગતરોજ રાત્રીના સમયે હોસ્ટેલના રૂમ નંબર 6માં કેટલાક વિદ્યાર્થીઓ રૂમમાં મોટા અવાજે ગીતો વગાડી ડાન્સ કરી રહ્યા હતા.

આ અવાજ સાંભળીને હોસ્ટેલના વોર્ડન આવ્યા હતા અને દરવાજો ખોલાવ્યો હતો. ત્યારે દરવાજો ખોલતા વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. તેથી વોર્ડને તેમને આવું ન કરવા અટકાવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈ જઈ તેમની સાથે બોલાચાલી કરી ગાડી લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન યુનિવર્સિટીની હોસ્ટેલનો મેઇન ગેટ સિક્યોરિટી દ્વારા બંધ કરી દેવાતા ગાડી ઉભી રહેતા સિક્યુરિટીએ ગાડીમાંથી ત્રણ જેટલા વિદ્યાર્થીઓને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસ પૂછપરછમાં આ વિદ્યાર્થીઓ આણંદના હોવાનું સામે આવ્યું છે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં બાસ્કેટબોલના વિદ્યાર્થીઓ દ્વારા આચારવામાં આવેલા કૃત્ય બદલ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલના સેક્રેટરી વિનુ વિનોદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, હોસ્ટેલના અંદર આવું કૃત્ય કરનારા આણંદ જિલ્લાની ટીમ આગામી ત્રણ વર્ષ સુધી કોઈપણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. તેમજ જે ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા પકડાયા છે, તે વિદ્યાર્થીઓ કોઈપણ જાતની રમતમાં ભાગ લઈ ન શકે તે માટે કાયમી પ્રતિબંધ મૂકવાનો વિચાર ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન કરી રહ્યું છે. તો યુનિવર્સિટીમાં થયેલી આ ઘટનાને વિદ્યાર્થી સંગઠન NSUIએ વખોડી છે. અગાઉ પણ યુનિવર્સિટીની રેસ્ટ હાઉસના બહારના ભાગેથી એનએસયુઆઈએ ખાલી દારૂની બોટલો પકડી કુલપતિ સમક્ષ રજૂઆત કરી હતી.

યુનિવર્સિટીની ઋષા હોસ્પિટલમાં દારૂની મહેફિલ માણતા ત્રણ વિદ્યાર્થીઓ ઝડપાયા છે. જેને લઈ યુનિવર્સિટી ફરી એકવાર દારૂના વિવાદમાં આવી છે, ત્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સલામતી માટે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.