December 12, 2024

જે સંગઠને સીરિયામાં કર્યું તખ્તાપલટ… તેને આતંકવાદીની લિસ્ટમાંથી હટાવશે અમેરિકા!

Syria: અમેરિકા સીરિયામાંથી બશર અલ-અસદ સરકારને હટાવવાના બળવાખોર સંગઠન હયાત તહરિર અલ-શામને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી હટાવવાની તૈયારી કરી રહ્યું છે. હયાત તહરિર અલ-શામ ડઝનબંધ બળવાખોર જૂથો સાથે 27 નવેમ્બરના રોજ અસદ સામે હુમલાઓ શરૂ કર્યા અને માત્ર 10 દિવસમાં તેઓએ સીરિયાની રાજધાની દમાસ્કસ પર કબજો કર્યો. અમેરિકન મીડિયા અનુસાર અમેરિકા આ ​​સંગઠનને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી બહાર કરવા પર વિચાર કરી રહ્યું છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે તહરિર અલ-શામને તુર્કી, અમેરિકા, ઈઝરાયેલ અને યુક્રેન તરફથી મદદ મળી છે. જો કે, આ સંગઠન તુર્કી અને અમેરિકાની આતંકવાદી યાદીમાં આવે છે. હયાત તહરિર અલ-શામ એ અલ કાયદાની સીરિયા-ઇરાક પાંખમાંથી ઉભરી આવેલી એક સંસ્થા છે. જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાને કટ્ટર ઇસ્લામવાદમાંથી રાષ્ટ્રવાદી સંગઠન તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વિદ્રોહી જૂથોની પાછળ અમેરિકા છે. ઘણા નિષ્ણાતોએ દાવો કર્યો છે કે હયાત તહરીર અલ-શામ અલ કાયદાનું બીજું સ્વરૂપ છે. કારણ કે તેમાં એ જ લડવૈયાઓ છે જે અગાઉ અલ કાયદા અને ISIS માટે લડી રહ્યા હતા. વિશ્વની આલોચનાનો સામનો કરવા અને પશ્ચિમી દેશોને મદદ કરવા માટે તેને ફરીથી બ્રાન્ડ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અસદની જેમ દેશ છોડીને ભાગી નહીં શકે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ, પોલીસ લાદશે મોટા નિયંત્રણો

અમેરિકા સીરિયાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને પોતાના હિતોની રક્ષા માટે કાર્યવાહી પણ કરી રહ્યું છે. અમેરિકાએ સોમવારે સત્તાવાર નિવેદન આપ્યું હતું કે તેણે સીરિયામાં ISISના 75 ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. તમને જણાવી દઈએ કે, લગભગ 900 અમેરિકન સૈનિકો હજુ પણ સીરિયામાં હાજર છે, જેઓ અમેરિકન સમર્થિત કુર્દિશ દળોને તાલીમ આપવાનું કામ કરે છે. અમેરિકાએ કહ્યું છે કે આ હુમલા ભવિષ્યની સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે અને એમ પણ કહ્યું છે કે આ હુમલાઓમાં કોઈપણ નાગરિકના માર્યા જવાની શક્યતા ઓછી છે.