December 23, 2024

દુબઇમાં ધંધામાં રોકાણના નામે ઠગાઇ કરતા બંટી-બબલીને પોલીસે દબોચી લીધા

મિહિર સોની, અમદાવાદ:  દુબઈમાં ધંધામાં રોકાણનાં નામે બંટી બબલીએ ઠગાઈ કરી હતી.  ક્રેડિટ કાર્ડ અને બેન્ક લોનના નામે 3.50 કરોડનું ફુલેકુ ફેરવ્યું હતું.  EOWએ ઠગ દંપતીની પંજાબથી કરી ધરપકડ કરી છે. ઉંચું વળતર આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી કરી હતી.  આવો જાણીએ કોણ છે આ ઠગ દંપતી.
ધરપકડ કરીને તપાસ શરૂ કરી
આર્થિક ગુના નિવારણ શાખા ની કસ્ટડીમાં જોવા મળતા બંટી બબલી સૌરીન પટેલ અને અક્ષીતા પટેલ છે. જેમને ઊંચું વળતર આપવાની લાલચ આપીને 3.50 કરોડનું કૌભાંડ આચર્યું છે. આ ઠગ દંપતીએ દુબઈમાં ધંધામાં રોકાણ કરવાના નામે ક્રેડિટકાર્ડથી નાણાં અને બેન્ક લોન મેળવીને છેતરપીંડી આચરી હતી. આ બંટી બબલીએ રોકાણકારોને બેન્ક કરતા વધુ વળતરની લાલચ આપી હતી. રોકાણકારોને રૂપિયા નથી આપવાના અને 10 ટકા વળતર આપવાનું કહીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને છેતરપીંડી આચરી હતી. આ છેતરપીંડી ને લઈને આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઇ હતી. EOWની ટીમે પંજાબથી આ ઠગ દંપતીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
ઠગાઈનું નેટવર્ક શરૂ કર્યું
EOWની તપાસમાં ખુલાસો થયો છે કે આ બંટી બબલીએ 2021થી ઠગાઈનું નેટવર્ક શરૂ કર્યું હતું. આરોપી સૌરીન પટેલ ક્રેડિટકાર્ડનું કામ કરતો હતો.  ત્યારબાદ એન્જલ ફિનટેક નામની કંપની શરૂ કરી હતી. જેમાં સૌરીન અને તેની પત્ની અક્ષીતા ડાયરેક્ટર હતા. આરોપીઓ ગ્રાહકોને રોકાણ કરવા ટેલિફોન કરીને માહિતી આપતા હતા. 10 ટકા ઊંચું વ્યાજ અને રૂપિયાનું રોકાણ નહિં કરવાની લાલચમાં લોકો પોતાનું પાન કાર્ડ અને આધાર કાર્ડ આરોપીઓને આપતા હતા. જેના દ્વારા તેઓ ક્રેડિટ કાર્ડ મેળવતા હતા. શરૂઆતના સમયમાં ક્રેડિટ કાર્ડમાં યોગ્ય રીતે પેમેન્ટ કરતા અને ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરાવતા હતા. ક્રેડિટ કાર્ડની લિમિટ વધતા આખરે મોટી રકમ ક્રેડિટ કાર્ડ માંથી ઉપાડી તેઓ ભરપાઈ કરતા નહીં, તો અમુક લોકોના બેંક એકાઉન્ટ્સ અને ક્રેડિટમાંથી તેઓ દ્વારા પર્સનલ લોન પણ મેળવી હતી.
અક્ષીતા ખાનગી કંપનીમાં નોકરી
આ તમામ રૂપિયાઓ પોતે દુબઈના ધંધામાં રોકતા હોવાનું રોકાણકારોને જણાવતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સૌરીન અને અક્ષીતા દ્વારા આચરેલા કૌભાંડમાં અંદાજિત 40 જેટલા લોકો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે. બંને પતિ પત્નીએ ત્રણ વર્ષ સુધી લોકોના ક્રેડિટ કાર્ડ માંથી પૈસા મેળવતા રહ્યા અને આખરે જાન્યુઆરી 2024 માં તેઓ અમદાવાદ છોડી નાસી ગયા હતા. બંટી બબલી અમદાવાદથી પંજાબ ખાતે રહેવા લાગ્યા હતા. ત્યાં સૌરીન કાર ડ્રાઇવિંગ કરતો હતો તેમજ પત્ની અક્ષીતા ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાનું ખુલ્યું છે.
પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી
EOW એ  ભોગ બનનાર 15 જેટલા લોકોની ફરિયાદ નોંધી છે, જેમાં 3.50 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે સૌરીન અને અક્ષીતા દ્વારા અન્ય કોઈ લોકો પાસેથી છેતરપિંડી કરવામાં આવી હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે, તેમજ પોલીસે સૌરીન અને અક્ષીતાની ધરપકડ કરી લોકોના રૂપિયા ક્યાં વાપરવામાં આવ્યા છે. તેમજ આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહિં તેને લઈને પૂછપરછ શરૂ કરી છે.