વડોદરામાં રોડ બનાવ્યો પણ ગટરનું ચેમ્બર ભૂલી ગયાં! 450 ઘરમાં પાણી ભરાયાં
વડોદરાઃ મહાનગરપાલિકાના સ્માર્ટ રોડમાં અતિસ્માર્ટનો નમૂનો બહાર આવ્યો છે. સ્માર્ટ રોડ બનાવતી વખતે વરસાદી ગટરનું ચેમ્બર જ ન બનાવ્યું. કોન્ટ્રાક્ટરે વરસાદી ગટરનું ચેમ્બર ન બનાવતા જોવા જેવી થઈ હતી. રોડ શાખાના એન્જિનિયરે ધ્યાન પણ ન રાખ્યું.
સ્માર્ટ રોડના કામમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણી ભરાયા હતા. બેદરકારીના કારણે ચોમાસામાં 450 ઘરોમાં પાણી ભરાયા હતા. 14 કરોડના રોડમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જ ન કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
કોર્પોરેટરે અધિકારીનું ધ્યાન દોરતા જાણ થઈ કે વરસાદી ગટરનું ચેમ્બર જ નથી બનાવ્યું. BJP કોર્પોરેટર તેજલ વ્યાસે અધિકારીઓનું ધ્યાન દોરતા જાણ થઈ હતી. કોર્પોરેશને વરસાદી ગટરની ચેમ્બર બનાવવાની કામગીરી ફરીથી કોન્ટ્રાક્ટર પાસે કરાવી હતી. 15 દિવસથી ચેમ્બર બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
ચેમ્બરનો ખાડો ખોદતા સ્થાનિકો અને વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. રોડ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયરને માત્ર શો કોઝ નોટિસ આપી સંતોષ માન્યો છે. તો નાગરિકોએ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.