January 5, 2025

અમૃતસરના ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશન પાસે વિસ્ફોટ, વિસ્તારમાં ફેલાયો ભયનો માહોલ

Punjab: પંજાબના અમૃતસરમાં ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશન નજીક આજે વહેલી સવારે એક જોરદાર શંકાસ્પદ વિસ્ફોટ સંભળાયો. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 3 વાગે વિસ્તારના લોકોએ આ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. ત્યારબાદ વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા. ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશનના અધિકારી જસબીર સિંહે કહ્યું કે અમે પણ અવાજ સાંભળ્યો, પરંતુ પોલીસ સ્ટેશનમાં કોઈ વિસ્ફોટ થયો ન હતો. વિસ્ફોટ ક્યાં થયો તેની તપાસ કરવામાં આવી રહી છે?

આ બ્લાસ્ટની જવાબદારી ગેંગસ્ટર જીવન ફૌજીએ લીધી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્ફોટ લગભગ 3 વાગે થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરની અંદરની દિવાલ પરની તસવીર પણ પડી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં ગેંગસ્ટર જીવન ફૌજીએ ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટની જવાબદારી લીધી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આજે હું અમૃતસરના ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશન પર ફેંકવામાં આવેલા ગ્રેનેડની જવાબદારી લઉં છું, આ પોલીસને એ જણાવવા માટે કરવામાં આવ્યું છે કે તેઓએ 1984થી સરકારો સાથે મળીને શીખો અને તેમના પરિવારો સાથે શું કર્યું છે. જો તમે ભવિષ્યમાં આવું કરશો તો તમને જવાબ મળશે.

આ પણ વાંચો: AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત, અંકલેશ્વર-રાજપારડીમાં પોલીસ ફરિયાદ

આ પહેલા બુધવારે રાત્રે લગભગ 10 વાગે અમૃતસરના મજીઠા પોલીસ સ્ટેશનની અંદર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે પોલીસ સ્ટેશનની બારીઓના કાચ તૂટી ગયા હતા. આ બ્લાસ્ટ બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. વિસ્ફોટ પોલીસ સ્ટેશનના ગેટ પાસેના ખુલ્લા વિસ્તારમાં થયો હતો. ઘટના બાદ પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.