December 21, 2024

ટ્રમ્પને મોટો ઝટકો; અમેરિકાના નીચલા ગૃહમાં નવા બિલને મંજૂરી, શટડાઉન રોકવા પ્રયાસ

વોશિંગ્ટનઃ અમેરિકામાં સરકારે શટડાઉન રોકવાના પ્રયાસો વધાર્યા છે. આ માટે એક નવું બિલ લાવવામાં આવ્યું છે, જેને અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની મંજૂરી પણ મળી ગઈ છે. હાલમાં આ અંગે ઉપરી ગૃહ એટલે કે સેનેટમાં મતદાન થવાનું છે, જો ત્યાંથી પણ મંજૂરી મળી જશે તો નાતાલની રજાઓમાં શટડાઉનને કારણે અમેરિકન લોકોને મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. જો કે, આ નવું બિલ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઝટકો છે. કારણ કે નવા બિલમાં ટ્રમ્પની માગણી સ્વીકારવામાં આવી નથી.

અમેરિકી સંસદના નીચલા ગૃહના સ્પીકર માઈક જોન્સને કહ્યું કે, કોંગ્રેસ દેશમાં શટડાઉનને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. નવું બિલ માઈક જ્હોન્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અને નીચલા ગૃહે નવા બિલને 366-34ની ભારે બહુમતી સાથે મંજૂરી આપી છે. જોન્સને કહ્યુ કે, દેશ માટે આ એક સારું પરિણામ છે. જો કે, ટ્રમ્પ હજુ પણ તેમની દેવાની મર્યાદા વધારવાની માગ પર અડગ છે. આવી સ્થિતિમાં, સેનેટ દ્વારા બિલ પસાર થવા અંગે હજુ પણ શંકા છે કારણ કે તેને હજુ સેનેટમાં મંજૂરી મળવાની બાકી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેવાની મર્યાદા વધારવાની ટ્રમ્પની માગ પાછળ અબજોપતિ એલન મસ્કનું મગજ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પે સરકારી ખર્ચ ઘટાડવાની જવાબદારી એલન મસ્કને આપી છે. આવી સ્થિતિમાં ઘણા સાંસદોમાં ગુસ્સો છે કે, મસ્ક કોંગ્રેસના સભ્ય નથી, પરંતુ તેઓ કોંગ્રેસ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સિવાય ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ જે રીતે પોતાની સરકારમાં મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરી છે, તેનાથી તેમની પાર્ટીના ઘણા સાંસદો નારાજ હોવાનું કહેવાય છે. આ જ કારણ હતું કે, ટ્રમ્પની દેવાની મર્યાદા વધારવાની માગને કારણે ખર્ચ બિલ પસાર થઈ શક્યું ન હતું અને ઘણા રિપબ્લિકન સાંસદોએ પણ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ કારણે રિપબ્લિકન પાર્ટી પર ટ્રમ્પની પકડ નબળી પડી રહી છે.

જો સેનેટ દ્વારા નવું બિલ પસાર નહીં થાય તો અમેરિકામાં શટડાઉન થઈ શકે છે. આ કારણે 22 લાખ સરકારી કર્મચારીઓમાંથી 8 લાખ કર્મચારીઓને રજા પર મોકલવા પડશે અને માત્ર આવશ્યક કર્મચારીઓ જ પગાર વગર કામ કરશે. જેના કારણે સરકારના કામકાજ પર ખરાબ અસર પડશે અને સામાન્ય જનતા પર તેની અસર થવાની ખાતરી છે. અત્યારે ક્રિસમસની રજાઓ છે ત્યારે આ સમયે મોટી સંખ્યામાં લોકો અમેરિકા પ્રવાસ કરે છે. બંધના કારણે એરપોર્ટ પર લાંબી કતારો જોવા મળી રહી છે.