દિલ્હીમાં પડશે કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ સાથે વરસાદની આગાહી
Delhi: હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારત સહિત દિલ્હીમાં અત્યંત ઠંડી છે. મંગળવારે રાત્રે પડેલા વરસાદના કારણે ઠંડીમાં વધારો નોંધાયો છે. ક્રિસમસના એક દિવસ પહેલા વરસાદને કારણે દિલ્હી-NCRમાં ઠંડી વધી છે. મંગળવારે સાંજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. જેના કારણે તાપમાનનો પારો 9 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. દિલ્હીમાં ઠંડીનું મોજુ યથાવત છે. દિલ્હી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદના ઘણા વિસ્તારોમાં શુક્રવારે ગાજવીજ સાથે હળવો વરસાદ થયો હતો.
તીવ્ર ઠંડી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી બે દિવસમાં દિલ્હી-NCRના તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલયના વિવિધ ભાગોમાં હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધુ વધશે. હવામાન વિભાગે બુધવાર અને શુક્રવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને કરી એર સ્ટ્રાઈક, 15 લોકોના મોત
26મી ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બનતું જોવા મળી રહ્યું છે. જેની અસર સમગ્ર દિલ્હી એનસીઆરમાં 26, 27 અને 28 ડિસેમ્બર સુધી જોવા મળી શકે છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. જેના કારણે દિલ્હીમાં વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો નીચે જતાં ગાઢ ધુમ્મસની શક્યતા છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં 24મી ડિસેમ્બરે સાંજે 7:00 વાગ્યાથી મોડી રાત સુધી વરસાદ પડ્યો હતો.