વડગામના બસુ ગામે પત્નીએ પતિને પતાવી નાંખ્યો, ફિલ્મી ઢબે પકડાઈ હત્યારી
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં સાત ભવ સાથે રહેવાનું વચન આપનારી પત્નીએ જ પતિની હત્યારી બની છે. પહેલા હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ પોલીસે આખરે 15 દિવસ બાદ આ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે અને હત્યારી પત્નીને ઝડપી લીધી છે.
વાત છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા બસુ ગામની. અહીં ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા શ્રવણજી ઠાકોરનો 11 ડિસેમ્બરના રોજ ગળે ટૂંપો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ માટે પહોંચેલી છાપી પોલીસને પત્નીએ પતિએ આપઘાત કરી લીધો હોવાની જાણકારી આપી હતી. ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા દરમિયાન પોસ્ટમોર્ટમમાં શ્રવણજી ઠાકોરના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા અને ગળે ટૂંપો આપીને મોત નીપજાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે પીએમ રિપોર્ટમાં હત્યા થયાનું સામે આવતા જ લોકલ પોલીસ, એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોર્ડની અલગ અલગ સાત ટીમો બનાવીને હત્યારાને ઝડપી લેવા કામે લાગી હતી અને 15 દિવસની તપાસના અંતે આખરે પોલીસ હત્યારા સુધી પહોંચી હતી. પરંતુ પોલીસને જ્યારે હત્યારાની જાણ થઈ ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી.
સાત જન્મ જેને સાથે જીવવા મરવાના વચનો આપ્યા હતા તે પત્ની જ પોતાના પતિની હત્યારી નીકળી હતી. પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલી પત્ની રેખા ઠાકોરે ઘર કંકાસના કારણે પતિની હત્યા કરી હોવાનું કબૂલ પણ કરી લીધું. હત્યારી પત્નીએ કહ્યું કે, રોજ રોજના ઘરકંકાસથી કંટાળી ગઈ હતી. જેના કારણે પતિ શ્રવણજી ઠાકોરના માથાના ભાગે પહેલા દાંતરડાથી વાર કર્યો, ત્યારબાદ તે અર્ધબેભાન થઈ જતા ખાટલાની દોરી વડે ગળે ટૂંપો આપી હત્યાને અંજામ આપ્યો છે.