December 28, 2024

Year Ender 2024: ચેસથી લઈને ઓલિમ્પિક સુધી, જુઓ કયા-કયા ખેલાડીઓએ વગાડ્યો વિશ્વમાં ડંકો

Bye Bye 2024: વર્ષ 2024 ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, અનેક નવા ઇતિહાસ રચ્યા છે અને વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. ક્રિકેટ, ટેનિસ, હોકી, ચેસ અને પેરિસ ઓલિમ્પિકમાં આ વર્ષે ભારતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવો આ નોંધપાત્ર સિદ્ધિઓ પર એક નજર કરીએ…

સૌથી પહેલા વાત કરીએ ક્રિકેટની. આપણાં દેશમાં ક્રિકેટનો અદ્ભુત ક્રેઝ છે. તારીખ 30 જૂન, 2024. આ દિવસે ભારતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ જીત્યો હતો. તેમણે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ જીતથી 2023માં ઘરઆંગણે રમાયેલ ODI વર્લ્ડ કપમાં ચૂકી ગયા બાદ ICC ટ્રોફી માટે 11 વર્ષની રાહનો અંત આવ્યો હતો

તો બીજી તરફ, ભારતીય હોકી ટીમે ચીનને 1-0થી હરાવી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 જીતી લીધી હતી. ભારતે આ ટુર્નામેન્ટમાં પાંચમી વખત ટાઇટલ મેળવ્યું છે. આ જીતે રમત જગતમાં ભારતના નામમાં વધુ એક સિદ્ધિ ઉમેરી છે.

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. બાદમાં તેણે સરબજોત સિંહ સાથે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

રોહન બોપન્નાએ તેના સાથી એબ્ડેન સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મેન્સ ડબલ્સનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેમણે ફાઇનલમાં ઇટાલીની સિમોન બોલેલી અને વાવાસોરીને હરાવ્યા હતા. 43 વર્ષની ઉંમરે બોપન્ના ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી મોટી ઉંમરના પુરૂષ ખેલાડી બન્યા છે.

2024માં ગુકેશ ડીએ સિંગાપોરમાં યોજાનારી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને સનસનાટી મચાવી હતી. માત્ર 18 વર્ષની ઉંમરે આ પ્રતિષ્ઠિત ખિતાબ જીતનાર વિશ્વનાથન આનંદ પછી સૌથી યુવા ચેમ્પિયન અને બીજા ભારતીય બન્યા છે.

આ વર્ષ ભારતીય રમતો માટે યાદગાર રહ્યું છે, જેમાં વૈશ્વિક પ્લેટફોર્મ પર વિવિધ રમતોમાં પ્રતિભા દર્શાવવામાં આવી છે. આ સિદ્ધિઓ માત્ર વ્યક્તિગત પ્રતિભાને જ ઉજાગર કરતી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય રમતગમતના ક્ષેત્રોમાં ભારતની વધતી જતી શક્તિને પણ દર્શાવે છે.