December 31, 2024

ગીર સોમનાથના ખેડૂતો બન્યા આત્મનિર્ભર, કરી રહ્યા છે સીંગતેલમાંથી કમાણી

અરવિદ સોઢા, ગીર સોમનાથ: મગફળીનું નામ આવે એટલે સૌરાષ્ટ્ર તો યાદ આવવાનું, કારણ કે ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે, જેમાં રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ હોય કે પછી સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ હોય. પરંતુ એકાદ-બે દાયકાઓ પહેલાની વાત કરીએ તો ગીર સહિત સૌરાષ્ટ્રનાં ખેડૂતો પોતાની મગફળી પીલાવી ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરતા પણ સમય જતાં લોકો વેચાતું તેલ લઈ ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે એ કહેવું બિલકુલ ખોટું નથી કે ભૂતકાળનાં દિવસો પરત ફરતા દેખાય રહ્યા છે.

મીની મિલો ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ
એક વખત ખેડૂતો પોતાની મગફળી વહેંચવાના બદલે હવે પિલાણ કરાવી શુદ્ધ તેલ કઢાવી રહ્યા છે. પોતાના ઘરે ખાવા માટે સંગ્રહ કરી રહ્યા છે. જેના કારણે ગ્રામ્ય અને શહેરીકક્ષાએ ગાયબ થતી તેલ કાઢવાની મીની મિલોનો ફરી એકવાર જમાનો આવ્યો છે. મીની મિલો પર પાંચ-થીત્રણ દિવસ મગફળી પીલાવવા માટે રાહ જોવી પડે છે. ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રનાં મોટા ભાગના વિસ્તારમાં મોટી સંખ્યામાં તેલ કાઢવાની મીની મિલો ધમધમતી થઈ છે. આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 100 થી વધુ મીની મિલો ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ છે.

ડબ્બાનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ
એક અંદાજ મુજબ રોજની ઓછામાં ઓછી 150 ખાંડી મગફળીનું પીલાણ થઈ રહ્યું છે. એક ખાંડી મગફળી માથી લગભગ અંદાજે 8 ડબ્બા તેલ નીકળે છે. એટલે કે ગીર સોમનાથ જિલ્લાની મીની મિલોમાં રોજના 1200 આસપાસ સિંગતેલનાં ડબ્બા તૈયાર થાય છે. જેમાં છેલ્લા એકાદ મહિના માજ લગભગ સવા થી દોઢ લાખ સિંગતેલનાં ડબ્બાનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં કેટલા ડબ્બા તેલનું ઉત્પાદન થતું હશે. ગીરમાં ઘણા ખેડૂતો તો જાતે જ મગફળી પીલાવી સીંગતેલ પોતાના સગા વ્હાલઓ ને વેંચી રહ્યા છે. ત્યારે આવનારા દિવસો માં ફરી ગુજરાત અને દેશમાં સિંગતેલનું રાજ છવાય તેવુ લાગી રહ્યું છે. કારણ કે લોકો ધીમે ધીમે ઘાણી કઢાવેલું સીંગતેલ ખાવાનું પસંદ કરી રહ્યા છે. કેમ કે બજારમાં વેચાતા અન્ય તેલનાં ડબ્બા કરતા 400 રૂપિયા જેટલો ખેડૂતોને ફાયદો તો થાય જ છે. પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે છે.

અસર મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર પડે છે
સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો તો પોતાની મગફળીનું તેલ પોતે જ કઢાવીને આખું વર્ષ ઘાણીનું તેલ ઉપયોગમાં લઈ રહ્યા છે. ત્યારે હવે શહેરીજનો પણ સારૂ તેલ ખાવા માટે યાર્ડમાંથી અથવા તો ખેડૂતો પાસેથી જરૂરી મગફળી ખરીદી આખા વર્ષનું તેલ મીની ઓઇલ મિલોમાં કઢાવીને વર્ષભર તેનો ઉપયોગ રસોઈમાં કરી રહ્યા છે. આનું કારણ છે. તેલના દિન પ્રતિદિન વધતા ભાવો અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ.જાત જાતના ફિલ્ટર તેલ દરરોજના ભોજનમાં ઉપયોગ કરવાથી તેની સીધી અસર મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર પડે છે.

આ પણ વાંચો: મિની વેકેશનમાં ખાટુશ્યામજીના દર્શન કરવાનો પ્લાન હોય તો બે વાર વિચાર કરજો, મુશ્કેલીમાં ન ફસાતા

તે આરોગ્ય માટે ઉત્તમ રહે છે
જ્યારે ઘરેલુ ઘાણીનું નજર સમક્ષ કઢાવેલું સીંગતેલ કે નું તેલ સ્વાસ્થ્ય માટે ઉમદા છે. સારા તેલનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે તો ડોકટર પાસે જવું પડતું નથી. તેવું શહેરીજનો સમજી રહ્યા છે. કદાચ ઘાણી કઢાવેલું તેલ થોડું મોંઘુ પડી શકે પરંતુ તે આરોગ્ય માટે ઉત્તમ રહે છે. વળી નજર સમક્ષ જ આ તેલ નીકળતું હોય ભેળસેળની સંભાવના રહેતી નથી.વર્ષ દરમ્યાન આવું તેલ પણ સારૂ રહે છે અને તેની ઓરીજીનલ સુગંધ પણ જળવાઈ રહે છે.