January 5, 2025

CM ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગર મુખ્ય બસ ડેપોમાં ઓચિંતી મુલાકાત, કામગીરીની વિગતો મેળવી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડોની કામગીરી ઝીણવટપૂર્વક નિહાળી અને બસ મથકમાં મુસાફરો સાથે વાતચીત કરીને તેમને મળતી સુવિધાઓની વિગતો પણ મેળવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈપણ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ વિના અચાનક જ ગાંધીનગરના મુખ્ય બસ મથકે અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સાથે પહોંચ્યા હતા અને મુસાફરો, સામાન્ય નાગરિકો તથા એસ.ટી. બસ મથકમાં ફરજ પરના કર્મયોગીઓ સાથે સંવાદ કરીને જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીએ સરકારી કચેરીઓ, બસ મથકો વગેરેમાં રાજ્યના નાગરિકોને મળતી સેવા-સુવિધાઓની નિયમિતતા અને ગુણવત્તા ચકાસવા માટે અવાર-નવાર ઓચિંતી મુલાકાતનો આ ઉપક્રમ અપનાવ્યો છે.