હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ દક્ષિણ કોરિયામાં યુન સુક યોલની ધરપકડ
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલની ધરપકડ કરવામાં આવી છે. બુધવાર, 15 જાન્યુઆરીની સવારે, દક્ષિણ કોરિયાના અધિકારીઓ યુન સુક યોલની ધરપકડ કરવા રાષ્ટ્રપતિ નિવાસસ્થાને પહોંચ્યા. ભ્રષ્ટાચાર તપાસ કાર્યાલય (CIO) એ જણાવ્યું હતું કે યુનની સ્થાનિક સમય મુજબ સવારે 10:33 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ 3 જાન્યુઆરીએ ધરપકડ ટીમ અને રાષ્ટ્રપતિ સુરક્ષા સેવા (PSS) વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારબાદ ટીમને પરત ફરવું પડ્યું હતું. આ વખતે, પોલીસ ટીમ સાથે મોટી સંખ્યામાં અધિકારીઓ રાષ્ટ્રપતિ નિવાસસ્થાનમાં પ્રવેશવામાં સફળ રહ્યા.
એક અહેવાલ મુજબ, અધિકારીઓ સ્થાનિક સમય મુજબ સવારે 4.20 વાગ્યે રાષ્ટ્રપતિ નિવાસસ્થાનની બહાર આવવા લાગ્યા. આ સમય દરમિયાન મોટી સંખ્યામાં યુનના સમર્થકો અને વિરોધીઓ ત્યાં એકઠા થયા હતા. લગભગ 1000 પોલીસ અધિકારીઓની ટીમે વિવિધ માર્ગો દ્વારા રાષ્ટ્રપતિ નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને તેમાં સફળતા મળી. તપાસ અધિકારીઓએ કહ્યું છે કે તેઓ યુનના નિવાસસ્થાનમાં પ્રવેશ્યા છે.
આ પણ વાંચો: મહાકુંભના ત્રિવેણી સંગમમાં NCPના દિગ્ગજ નેતા મહેશ કોઠેનું નિધન, સ્નાન કરતી વખતે આવ્યો હાર્ટ એટેક
પોલીસે સ્થાનિક મીડિયાના અહેવાલોને નકારી કાઢ્યા છે કે રાષ્ટ્રપતિ સુરક્ષા સેવાના કાર્યકારી વડા કિમ સુંગ-હૂનની ધરપકડ કરવામાં આવી છે. કિમ પર યુનની ધરપકડના અગાઉના પ્રયાસમાં અવરોધ ઉભો કરવાનો આરોપ છે. મહાભિયોગનો ભોગ બનેલા રાષ્ટ્રપતિ યૂન સુક-યોલની ટીમે ભ્રષ્ટાચાર તપાસ કાર્યાલય (CIO) સમક્ષ સ્વેચ્છાએ હાજર થવાની શક્યતા પર વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, સીઆઈઓએ આ વાતને નકારી કાઢી.
દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે તપાસકર્તાઓ સીડીનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ નિવાસ સંકુલમાં પ્રવેશ્યા છે. અગાઉ, શાસક પક્ષના સાંસદો અને યુનના વકીલોએ તેમને પ્રવેશદ્વાર પર જ અટકાવ્યા હતા. યુન ઘણા અઠવાડિયાથી સિઓલ સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાનમાંથી બહાર નીકળ્યા નથી. ૩ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ સુરક્ષા સેવાના અધિકારીઓ અને યુનને કસ્ટડીમાં લેવા આવેલા તપાસ અધિકારીઓ વચ્ચે લગભગ છ કલાક સુધી ઝપાઝપી થઈ.