January 16, 2025

કૃષ્ણનગરમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારો 60 વર્ષના વૃદ્ધની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરના કૃષ્ણનગરમાં 60 વર્ષના વૃદ્ધે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને બિસ્કિટ આપવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના માતાપિતાએ આરોપીનો પર્દાફાશ કર્યો છે. આરોપી ફરાર થઈ જતા પોલીસે મોરબી LCBની મદદથી મોરબીથી ધરપકડ કરી છે.

60 વર્ષીય આરોપી દલપત ઉર્ફે દિલીપ વઢેરિયાની કૃષ્ણનગર પોલીસે દુષ્કર્મ કેસમાં મોરબીથી ધરપકડ કરી છે. 10 જાન્યુઆરીના રોજ કૃષ્ણનગર વિસ્તારમાં 8 વર્ષની બાળકી મિત્ર સાથે રમવા આવી હતી. ત્યારે આરોપીએ બાળકીને બિસ્કિટ અને પૈસા આપવાની લાલચ આવીને ઘરમાં લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. વૃદ્ધ દલતપ ફરાર થઈ જતા કૃષ્ણનગર પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે, વૃદ્ધ મોરબીમાં છુપાયો છે, જેથી મોરબી LCBની મદદ લઈને આરોપીની ધરપકડ કરી છે.

આરોપી દલપત વઢેરિયા છૂટક મજૂરી કરે છે અને એકલવાયું જીવન ગુજારે છે. દુષ્કર્મની ઘટનાથી ગભરાયેલી બાળકીએ ઘરે પહોંચીને માતાને વૃદ્ધના કૃત્યની જાણ કરી હતી. પરંતુ બાળકી આરોપીથી પરિચિત નહોતી. જેથી બાળકીના માતાપિતાએ આરોપીને પકડવા અને તેની ઓળખ કરવા માટે બાળકીને બીજા દિવસે ફરી એ જ વિસ્તારમાં મોકલી હતી. બાળકીને એકલા જોઈને વૃદ્ધે બાળકીને બોલાવવાનો પ્રયાસ કરતા બાળકીએ આરોપીને ઓળખી લીધો હતો. પરંતુ બાળકીના માતાપિતા અને લોકો એકઠાં થઈ જતા વૃદ્ધ ફરાર થઈ ગયો હતો.

કૃષ્ણનગર પોલીસે દુષ્કર્મ કેસમાં આરોપી અને બાળકીના મેડિકલ તપાસ કરાવીને પુરાવા એકઠાં કર્યા છે. આરોપી વિરુદ્ધ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.