January 16, 2025

IIT બોમ્બેમાંથી એન્જિનિયરનો અભ્યાસ કર્યો, કેનેડામાં 3 લાખના પગારની નોકરી છોડી બન્યા સાધુ

પ્રયાગરાજ: સનાતન ધર્મનો સૌથી પ્રતિષ્ઠિત મહાકુંભ ઉત્સવ પ્રયાગરાજમાં શરૂ થઈ ગયો છે. કુંભ માત્ર લોકોના મેળાવડા અને આસ્થાનું કેન્દ્ર જ નથી પરંતુ જ્ઞાન અને પૂજાનું પણ કેન્દ્ર છે. જેમાં માત્ર પાણીનો સંગમ નથી, પણ વિવિધ વિચારોનો પણ સંગમ છે. આ કુંભમાં અનેક સંતો અને ઋષિઓ પધાર્યા છે. તેમની વચ્ચે ઘણા એવા છે જેઓ પોતાના અલગ અલગ કાર્યોને કારણે ચર્ચામાં છે. આવા જ એક બાબા છે અભયસિંહ, જે એન્જીનિયર બાબાના નામથી ચર્ચામાં છે.

‘એન્જિનિયર બાબા’ કોણ છે?
ઈન્ટરનેટ પર એન્જીનિયર બાબા તરીકે વાયરલ થઈ રહેલા અભયસિંહે દાવો કર્યો છે કે તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બોમ્બે (IIT-B)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેણે ત્યાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે. અભયસિંહ મૂળ હરિયાણાના છે. જુના અખાડા સાથે સંકળાયેલા અભયસિંહ પોતાની આગવી શૈલીથી મહાકુંભમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે, ચિત્રો અને આકૃતિઓની મદદથી ભક્તોને જટિલ આધ્યાત્મિક ખ્યાલો સમજાવે છે.

બાબા અભયસિંહ IITથી ‘ભક્તિ’ના માર્ગે આવવા સુધીની તેમની સફર
તેમનો જન્મ હરિયાણાના ઝજ્જરમાં થયો હતો. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ત્યાં જ કર્યું, ત્યારબાદ તેણે JEEની તૈયારી શરૂ કરી. આ પછી તેઓ એરોસ્પેસ એન્જિનિયરિંગ માટે મુંબઈ IIT ગયા. જ્યાં તેમના જીવનમાં અલગ અલગ વળાંક આવ્યા. તેમણે કહ્યું કે જ્યારે હું IITમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ કરી રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે આ જ બધું છે. પાછળથી જ્યારે હું આધ્યાત્મિકતા તરફ આગળ વધ્યો, ત્યારે મને લાગે છે કે આ જ વાસ્તવિક વિજ્ઞાન છે.

કેનેડામાં 3 લાખના પગારવાળી નોકરીમાં પણ મન ના લાગ્યું
અભયસિંહ કહે છે કે એન્જિનિયરિંગ દરમિયાન તેઓ માનવતા તરફ ખૂબ જ ઝુકાવ ધરાવતા હતા. આ સંદર્ભે તેમણે ફિલસૂફી સંબંધિત વિવિધ ગ્રંથો અને તત્વજ્ઞાનીઓનું વાંચન કર્યું હતું. આ દરમિયાન તેની ડિઝાઇનિંગમાં પણ રસ વધ્યો. જેના કારણે તેણે બે વર્ષ સુધી ડિઝાઇનિંગ પણ શીખી. બાદમાં લાંબા સમય સુધી ફોટોગ્રાફી કંપનીમાં પણ કામ કર્યું, પરંતુ થોડા સમય પછી, તે ત્યાં પણ અસંતુષ્ટ થઈ ગયા. આ દરમિયાન તેઓ ડિપ્રેશનમાં આવી ગયા. આમાંથી બહાર આવવા માટે કેનેડામાં નોકરી કરવા પણ ગયા. જ્યાં તેમનો પગાર મહિને ત્રણ લાખ હતો. એ પછી પગાર પણ વધ્યો. જો કે, તેને ત્યાં પણ રસ નહોતો. બાદમાં તે કોરોના દરમિયાન ભારત આવ્યા હતા. આ પછી તેમણે દર્શન સાથે જોડાયેલા વિષયોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને તેમના જીવનનો સાર સમજવાનો પ્રયાસ કર્યો. હવે તે કહે છે કે તેણે પોતાનું જીવન ભગવાનને સમર્પિત કર્યું છે. ભક્તિમાં તેમને એ સુકન મળ્યું જે તેઓ શોધી રહ્યા હતા.

‘આધ્યાત્મિકતા’ માત્ર એક વ્યક્તિગત શોધ નથી
બાબા અભયસિંહ કહે છે કે ‘આધ્યાત્મિકતા’ માત્ર એક વ્યક્તિગત અથવા અલગ શોધ નથી. તે સાર છે જે ભારતના સમગ્ર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક માળખાને બાંધે છે.