ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ પંજાબના CM ભગવંત માનને આપી ધમકી, કહ્યું- બોમ્બથી ઉડાવી દઈશ
Khalistani terrorist Pannu: ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માનને મારી નાખવાની ધમકી આપી છે. પન્નુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે ભગવંત સિંહ માનની હાલત ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહ જેવી થશે. તેમને પણ બોમ્બથી ઉડાવી દઈશું. પન્નુએ જણાવ્યું હતું કે ભગવંત માન 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસે ફરીદકોટના નહેરુ સ્ટેડિયમમાં ધ્વજ ફરકાવવાના છે. નોંધનીય છે કે, અહીં પન્નુએ ‘શીખ યુવાનોએ હાથમાં ત્રિરંગો ન લેવો જોઈએ. તેમણે ફક્ત ખાલિસ્તાનનો ધ્વજ પકડી રાખવો જોઈએ. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સત્તામાં આવી ગઈ છે. સરકાર બદલાવાથી ઘણું બધુ બદલાય છે. પંજાબ ભારતનો ભાગ નથી.’ આવા ખાલિસ્તાની સૂત્રો લખાવ્યા છે.
‘પંજાબથી સીધો સંદેશ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચ્યો’
પન્નુએ કહ્યું કે ખેડૂતોના આંદોલનમાં સામેલ યુવાનોએ અમૃતસર, ગુરદાસપુર અને જલંધર જિલ્લાઓમાં ડીસી ઓફિસો પર ખાલિસ્તાનના ઝંડા ફરકાવવા જોઈએ જેથી પંજાબનો સંદેશ સીધો ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચી શકે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ સંદેશ મળશે કે ધર્મ અને રાજકારણને લઈને શીખો અને ભારત સરકાર વચ્ચે મોટો તફાવત છે.
મુખ્યમંત્રી ભગવંત માન પર આતંકવાદી હુમલાનો ઇનપુટ
ત્રણ દિવસ પહેલા, સુરક્ષા એજન્સીઓએ પંજાબ પોલીસને મુખ્યમંત્રી ભગવંત માન પર આતંકવાદી હુમલા અંગે ચેતવણી આપી હતી. એજન્સીઓને એવા ઇનપુટ મળ્યા છે કે આ હુમલો ટિફિન, ડ્રોન અથવા સ્ત્રી માનવ બોમ્બથી કરવામાં આવી શકે છે. વારિસ પંજાબ દે સંગઠનના વડા અને ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ સામે થયેલી કાર્યવાહીને કારણે મુખ્યમંત્રી પણ અલગતાવાદી સંગઠનોના નિશાના પર છે.
આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ તરફથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મુખ્યમંત્રી ફરીદકોટમાં ત્રિરંગો ફરકાવશે નહીં. પ્રજાસત્તાક દિવસે તેઓ ક્યાં ત્રિરંગો ફરકાવશે તે હજુ સુધી જણાવવામાં આવ્યું નથી.