GPSC દ્વારા 1751 જગ્યા પર ભરતીનો સંભવિત કાર્યક્રમ જાહેર, જાણો તમામ માહિતી
ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી વર્ષોમાં થનારી ભરતીને લઈ જાહેરાતનો સંભવિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. GPSC આગામી વર્ષોમાં અલગ અલગ વિભાગોની 1751 જગ્યા પર ભરતી કરશે. જેની જાહેરાત આ વર્ષ દરમિયાન કરવામાં આવશે.
કુલ 1751 કેડરની અલગ અલગ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 160 ડીવાયએસો અને નાયબ મામલતદારની જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ વિભાગમાં વર્ગ 2ની 200 જગ્યાઓ ભરાશે. વહીવટી સેવા વર્ગ 1 અને વર્ગ 2ની 100 જેટલી જગ્યાઓ ભરાશે. રાજ્યવેરા નિરીક્ષક માટેની કુલ 323 જગ્યાઓ ભરાશે. આ ઉપરાંત અન્ય અલગ અલગ વિભાગોમાં ખાલી રહેલી જગ્યાઓ પણ ભરવામાં આવશે.
અલગ અલગ વિભાગોની 1751 જગ્યા માટે જાહેરાત આવી શકે
GPSC દ્વારા 1751 જગ્યા પર આગામી સમયમાં ભરતી થવાની છે, તે જગ્યાઓ માટે જાહેરાતની સહિત પ્રાથમિક અને મુખ્ય કસોટીની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. આ સાથે GPSC તરફથી ઉમેદવારોને આ જાહેરાત માટે સતત અપડેટ રહેવા માટે GPSCની વેબસાઈટ, ટ્વિટર કે એપ સાથે જોડાયેલા રહેવા અપીલ કરવામાં આવી છે.
GPSCના પરીક્ષાર્થીઓ માટે ત્રણ મોટા નિર્ણય
GPSC દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષકોને સરળતા રહે તે માટે ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આયોગના ચેરમેન હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને આ ત્રણેય નિર્ણયો અંગે જાણકારી આપવામાં આવી હતી. જે ભરતીમાં અનુભવની જરુર ન હોય તેમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે. આયોગમાં ઈન્ટરવ્યૂ માટે આવતા ઉમેદવારોને નાસ્તો-ભોજન આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.