વસ્ત્રાપુરમાં જ્વેલર્સના માલિક વિરુદ્ધ વ્યાજખોરીને લઈને નોંધાઇ ફરિયાદ
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુરમાં જવેલર્સના માલિક વિરુદ્ધ વ્યાજખોરીને લઈને ફરિયાદ નોંધાઇ. જવેલર્સના માલિકે રૂ.20 લાખના ધિરાણ પર રૂ.48 લાખ વસુલ્યા બાદ પણ રૂ.95 લાખની માંગણી કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી.
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા મીનાબેન ભટ્ટે ઝાંઝર જવેલર્સના માલિક વસંત શાહ વિરુદ્ધ વ્યાજખોરી અને માનસિક ત્રાસને લઈને ફરિયાદ દાખલ કરી છે. આર્થિક જરૂરિયાત હોવાથી મીનાબેન ભટ્ટે જવેલર્સના માલિક પાસેથી રૂ.20 લાખ અઢી ટકાના વ્યાજે લીધા હતા, પરંતુ રૂ.20 લાખ તેમને ભારે પડી રહ્યા છે. કારણ કે 20 લાખની સામે વ્યાજ સહિત રૂ.48 લાખ આપી દીધા હોવા છતાં, પણ જવેલર્સનો માલિક વસંત શાહ રૂ.95 લાખની વધુ માંગ કરે છે. મહિલાએ 2015માં ઝાંઝર જવેલર્સ પાસેથી સોનાના દાગીના ગીરવે આપ્યા હતા અને રૂ.20 લાખ વ્યાજે લીધા હતા, પરંતુ જવેલર્સના માલિકે દાગીના ઓગળી ને છેતરપિંડી પણ કરી હોવાના આક્ષેપો ફરિયાદમાં કર્યા છે.
પોલીસ ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, 2015માં સોનાના દાગીના પર વ્યાજે રૂ.20 લાખ લીધા હતા. જેનો દર મહિને 50 હજાર વ્યાજ 2023 સુધી ચૂકવતા હતા, પરંતુ આર્થિક સંકડામણના કારણે તેમને ફક્ત 12 મહિનાનું વ્યાજ નહીં ચૂકવતા તેમની પાસેથી આ પ્રમાણે વધુ વ્યાજની માંગણી કરવામાં આવી રહી છે. વ્યાજખોર જવેલર્સના માલિક દ્વારા માનસિક ત્રાસ વધતા મહિલાએ સૌથી પહેલા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજીની તપાસ કરતા પોલીસને પુરાવા મળતા ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વસ્ત્રાપુર પોલીસે ઝાંઝર જવેલર્સના માલિક વસંત શાહ વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. આ જવેલર્સના માલિકે અન્ય કોઈ ગ્રાહક સાથે આ પ્રકારે વ્યાજખોરી કે છેતરપિંડી કરી છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.