તોરણીયા આશ્રમના ગુરૂ-શિષ્યની લડાઈમાં શિષ્યાએ પણ ઝંપલાવ્યું, બીભત્સ ચેનચાળાના આક્ષેપ કર્યા
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/ASHRAM-VIVAD.jpg)
જૂનાગઢ: કેશોદ નજીક ફાગડી ગામના સર્વે નંબર પર આવેલા તોરણીયા આશ્રમમાં ગુરૂ શિષ્યની લડાઈમાં હવે શિષ્યાએ પણ ઝંપલાવ્યું છે, તોરણીયા આશ્રમના પૂર્વ મહંત શંકરદાસ દ્વારા પોતાના જ શિષ્ય અને હાલના મહંત સિધ્ધરાજ મુનિ તથા પોતાની શિષ્યા શ્રુતિમુનિ સામે આશ્રમમાં ગેરપ્રવૃત્તિના આક્ષેપ બાદ હવે શંકરદાસના શિષ્યા શ્રુતિમુનિએ ગુરૂ શંકરદાસ પર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે.
તોરણીયા આશ્રમના પૂર્વ મહંત શંકરદાસના શિષ્યા શ્રુતિમુનિએ પોતાના જ ગુરૂ શંકરદાસે પોતાની સાથે બીભત્સ ચેનચાળા કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે ગુરૂ શિષ્યા સાથે ચેનચાળા કરતાં હતા ત્યારે ગુરૂભાઈ સિધ્ધરાજમુનિએ તેણીને બચાવ્યા હતા.
આ ઘટનાને લઈને શ્રુતિમુનિએ પોલીસમાં અરજી કરી હતી પરંતુ બાદમાં ગુરૂ શંકરદાસ એ માફી માંગી હતી. શ્રુતિમુનિને પોતાના તરફ ખેંચવા શંકરદાસએ સંપત્તિનું નકલી વીલ પણ બનાવી આપ્યું હતું. જેમાં આશ્રમ શ્રુતિમુનિના નામે કરી દીધો હતો, શ્રુતિમુનિ પૂર્વાશ્રમમાં બેંગાલુરૂમાં પ્રોફેસર હતા અને સંસારથી વૈરાગ્ય આવતાં તોરણીયા આશ્રમ ખાતે જ ગુરૂ શંકરદાસ પાસેથી દીક્ષા લીધી હતી અને નિઃસ્વાર્થ ભાવે સેવા કરતાં હતા, પરંતુ બાદમાં ગુરૂએ જ પોતાની શિષ્યા સાથે ચેનચાળા કર્યાના હવે આક્ષેપો થઈ રહ્યા છે. ગુરૂ શિષ્યના પવિત્ર સંબંધને લાંછનરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.