February 14, 2025

ભારતે બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની સદી સાથે શાનદાર જીત

IND vs ENG ODI: કટકમાં રમાયેલી બીજી ODI મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો રોહિત શર્મા હતો. જેણે 90 બોલમાં 119 રનની શાનદાર અને યાદગાર ઇનિંગ રમી હતી. ઉપરાંત શુભમન ગિલે પણ અડધી સદીની ઇનિંગ રમીને ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો.

કટકના બારાબતી મેદાન પર રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ કરીને 304 રનનો સ્કોર બનાવ્યો. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને બેન ડકેટે અડધી સદી ફટકારી હતી. જ્યારે અંતિમ ઓવરોમાં લિયામ લિવિંગસ્ટને પણ 41 રનની ઝડપી ઇનિંગ રમી હતી અને પોતાની ટીમના સ્કોરને 300 રનથી વધુ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો:ભારત-ઈંગ્લેન્ડની મેચ ફ્લડલાઇટ બંધ થવાને કારણે અચાનક અટકાવવી પડી

ભારતે મેચ 4 વિકેટથી જીતી લીધી
જ્યારે ભારતીય ટીમ 305 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને તોફાની શરૂઆત અપાવી. બંનેએ મળીને માત્ર 15ઓવરમાં ટીમનો સ્કોર 114 સુધી પહોંચાડ્યો. રોહિત અને ગિલ વચ્ચે 136 રનની ઓપનિંગ ભાગીદારી થઈ. રોહિત અને ગિલે ભારતની જીતનો પાયો નાખ્યો હતો. વિરાટ કોહલી ફરી એકવાર મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો અને માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

જાડેજાએ 3 વિકેટ લીધી
શ્રેયસ ઐયરે છેલ્લી મેચમાં ફિફ્ટી ફટકારી હતી અને કટકમાં પણ 44 રન બનાવીને ક્રીઝ પર સેટ થઈ ગયો હતો, પરંતુ અક્ષર પટેલ સાથે સંકલનના અભાવે તે રન આઉટ થઈ ગયો હતો. અક્ષર પટેલ 41 રન બનાવીને અણનમ રહ્યો અને રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગો ફટકારીને ભારતીય ટીમનો વિજયી શોટ ફટકાર્યો. ટીમ ઈન્ડિયા તરફથી સારી બોલિંગ પણ થઈ, જ્યાં રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી, પરંતુ મોહમ્મદ શમી ખૂબ મોંઘો સાબિત થયો કારણ કે તેણે 7 ઓવરમાં 66 રન આપ્યા.

રોહિત શર્માની 32મી સદી
આ મેચમાં રોહિત શર્માએ પોતાના વનડે કરિયરની 32મી સદી ફટકારી હતી. તેણે 119 રનની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ રોહિતના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 49મી સદી પણ છે. તે હવે સદીઓની અડધી સદી ફટકારવાથી માત્ર એક મોટી ઇનિંગ્સ દૂર છે.