February 22, 2025

‘મા કી મમતા ઔર સુરક્ષા કી ક્ષમતા’: દિલ્હી રેલવે સ્ટેશન ઉપર ફરજ બજાવતી RPF મહિલા જવાનને સલામ

RPF Constable: ખાખી વર્દી પહેરનાર દરેક વ્યક્તિ આ દેશનો રક્ષક છે. આ દેશની રક્ષા કરવાની સાથે, તેઓ દેશ માટે પોતાનું જીવન પણ સમર્પિત કરે છે. દિવસ હોય કે રાત, તડકો હોય કે વરસાદ, તેઓ હંમેશા પોતાની ફરજ અને જવાબદારી માટે તૈયાર રહે છે. સમગ્ર દેશ શાંતિથી તહેવાર ઉજવી શકે તે માટે તેઓ પોતાની ફરજમાંથી રજા પણ લેતા નથી. એ જ ભાવના સાથે, એક મહિલા કોન્સ્ટેબલ પોતાની ફરજ બજાવતી જોવા મળી. હાલમાં આ મહિલા કોન્સ્ટેબલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વાયરલ થવાનું કારણ પણ ખૂબ જ ખાસ છે. હકીકતમાં, તે મહિલા પોતાની ફરજ પ્રત્યે એટલી સમર્પિત અને પ્રામાણિક છે કે તે પોતાના બાળકને ખોળામાં રાખીને પોતાની ફરજ બજાવતી જોવા મળી.

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ બાદ મહિલા પોતાની ફરજ બજાવતી જોવા મળી હતી. નોંધનીય છે કે, 15 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મોટી ભીડ એકઠી થઈ હતી અને રાત્રે નાસભાગ મચી ગઈ હતી. ભાગદોડ બાદ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. રેલવે પ્રશાસન પણ ફુલ એલર્ટ મોડમાં આવી ગયું છે. સ્ટેશન પર RPFની તૈનાતી વધારી દેવામાં આવી હતી. ફરીથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે, RPFએ પોતાની સુરક્ષા કડક બનાવી દીધી છે.

વાયરલ વીડિયોમાં, આ મહિલા RPF જવાન એક સાથે બે ફરજો બજાવતી જોવા મળી રહી છે. પહેલી તેમની નોકરી અને બીજી મમતાની. મહિલા કોન્સ્ટેબલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ આ મહિલાના જુસ્સાને સલામ કરવાનું શરૂ કરી દીધું. ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ કરી અને મહિલાને ત્યાગ અને બલિદાનનું પ્રતિક ગણાવી. વાયરલ વીડિયોમાં દેખાતી મહિલાનું નામ રીના છે. હાલમાં તે RPFમાં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે.