February 22, 2025

બદામશેકમાં ઘેનની ગોળી મિલાવીને ચોરી, 15 દિવસમાં એક સોસાયટીનાં 3 રહીશોને ટાર્ગેટ કર્યા; આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ બદામશેકમાં ઘેનની ગોળી મિલાવી ચોરીની ઘટનાને અંજામ આપતો એક અજીબોગરીબ ચોરને પોલીસે પકડી પાડ્યો છે. આ શખ્સે 15 દિવસમાં એક જ સોસાયટીના 3 રહીશોને ટાર્ગેટ બનાવ્યા હતા. ત્યારબાદ લોકોને શંકા જતા આ શખ્સ સામે પોલીસ ફરિયાદ કરાઈ અને માધવપુરા પોલીસે યુવકની ધરપકડ કરી સમગ્ર ભાંડો ફોડ્યો છે.

પોલીસે આ મામલે સાવન ઉર્ફે બીટુ સેંગલ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ બદામશેકમાં ઘેનની ગોળી મિલાવી પરિચિત મિત્રોને પીવડાવી તેની કિમતી પહેરેલી વસ્તુઓ કાઢીને ચોરી કરી હતી. આરોપી સાવન સોસાયટીમાં રહેતા પરિચિત લોકોને ટાર્ગેટ કરતો હતો. આ ઘટનાની વાત કરીએ તો માધવપુરા વિસ્તારની જ કલ્યાણ ગ્રામ સોસાયટીમાં આરોપી રહે છે અને ત્યાંના રહેવાસી ફરિયાદી સપનાબેન ચૌહાણના ઘરે જઈ બદામશેક પીવા માટેની ઓફર કરી હતી.

આરોપીએ દવા મિલાવી સપનાબેનને પીવડાવી દીધી હતી. ત્યારબાદ તેમના ગળામાં રહેલી સોનાની ચેન કાઢી ચોરી કરી પલાયન થઈ ગયો હતો. તેવી જ રીતે તપાસ કરતા અન્ય એક શખ્સને પણ આવી જ રીતે બદામશેક પીવડાવી તેને બેભાન કરીને તેની પાસેથી સોનાની ચેન અને રોકડ રૂપિયા ચોરી લીધા હતા. આવી જ ઘટના સોસાયટીમાં રહેતા રાકેશભાઈ સોલંકી સાથે પણ બની હતી.

દસેક દિવસ પહેલા તેમના ઘરે સાવન પહોંચ્યો હતો અને તેમના માટે નોનવેજ લઈને આવ્યો છે, તેવું જણાવી તેમને નોનવેજમાં ઘેનની દવા ખવડાવી બેભાન કરી દીધા હતા અને તેમના ઘરની તિજોરીમાંથી સોનાની નાકની ચૂની અને રોકડ 16 હજાર રૂપિયા ચોરી કરી લીધા હતા.

આ સમગ્ર મામલાની ફરિયાદ થતા પોલીસે તપાસના આધારે સાવન ઉર્ફે બીટુ સેંગલની ધરપકડ કરી છે અને તેની પાસેથી સોનાની ચેઈન જેની કિંમત 47 હજાર તેમજ સોનાની ચૂની અને 16 હજાર રોકડા કબજે લીધા છે.

પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, આરોપી ઘેનની દવા તેના મિત્ર બાદલ પાસેથી લાવ્યો હતો, જે મેડિકલ સ્ટોરમાંથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી ઘાટલોડિયામાં ચાણક્યપુરી વિસ્તારની કોલેજમાં બીકોમનો અભ્યાસ કરે છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે આરોપી સામે ઝેરી પદાર્થ પીવડાવી અને ચોરીની કલમ નોંધી તપાસ શરૂ કરી છે.