‘હું અક્ષરને કાલે ડિનર પર લઈ જઈશ…’ રોહિત શર્માએ મેચ બાદ ડ્રોપ કેચ વિશે કરી વાત

Champions Trophy 2025: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચ રોમાંચક રહી હતી. એક તરફ શુભમન ગિલની શાનદાર સદી અને મોહમ્મદ શમીની આગવી બોલિંગ, તો બીજી તરફ રોહિત શર્માનો એક ડ્રોપ કેચ જે ચર્ચાનો વિષય બન્યો. ભારતે છ વિકેટથી જીત મેળવી, પરંતુ રોહિત માટે આ જીત સાથે એક પસ્તાવો પણ જોડાયો.
મેચ પછી રોહિત શર્માએ કબૂલ્યું કે તેણે જે કેચ છોડ્યો, તે ભૂલાશે નહીં. હર્ષા ભોગલેએ જ્યારે તેની પ્રતિક્રિયાઓ વિશે પૂછ્યું, ત્યારે રોહિતે રમૂજી અંદાજમાં કહ્યું, ‘હું જાણતો હતો કે તમે કેચની વાત જ કરશો’ એ કેચ પકડાયો હોત તો અક્ષર પટેલની હેટ્રિક પણ થઈ જાત! તેણે વધુમાં કહ્યું, ‘હવે હું અક્ષરને કાલે ડિનર માટે લઈ જઈશ.’
જ્યાં સુધી ભારતની જીતની વાત છે, રોહિતે સંપૂર્ણ ટીમની પ્રશંસા કરી. શમીની બોલિંગ, ગિલની બેટિંગ અને સંપૂર્ણ ટીમની તાલમેલ જ વિજયનું મુખ્ય કારણ છે. તેણે કહ્યું, ‘આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં દબાણ હંમેશા રહે પણ અનુભવી ખેલાડીઓ આવી પરિસ્થિતિમાં શ્રેષ્ઠ દેખાડે છે. હવે ભારતની નજર ટૂર્નામેન્ટના આગામી પડાવ પર રહેશે.’