ગુજરાતમાં ‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં 19,020 હેક્ટરમાં વાવેતર, દેશમાં પ્રથમ ક્રમે

મલ્હાર વોરા, ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા દેશના દરિયાકિનારાનાં વિસ્તારોમાં ચેર(મેન્ગ્રૂવ)નાં વૃક્ષોના વાવેતર તથા તેના આધારે ઈકો ટૂરિઝમને વિકસાવવા માટે અમલી ‘મિષ્ટી’ યોજના અંતર્ગત રાજ્યમાં થયેલી કામગીરીની વિગતો આપતાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, આ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં રૂ.76.55ના ખર્ચે રાજ્યના આશરે 19,020 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.
ગુજરાતનો દરિયાકાંઠો અન્ય રાજ્યોની સરખામણીમાં વધારે ઊંચી ભરતીના લીધે વધુ સંવેદનશીલ છે. કેન્દ્ર સરકારના એક અભ્યાસ મુજબ રાજ્યનો 53 ટકા જેટલો દરિયાકાંઠો સ્થિર કક્ષામાં આવે છે, જ્યારે 27.6 ટકા દરિયાકાંઠે ધોવાણની શક્યતાઓ છે અને 19.4 ટકા દરિયાકાંઠા વિસ્તારમાં કાંપ ભેગો થવાનો અંદાજ છે.
કેન્દ્ર સરકારના વર્ષ 2023-24ના બજેટમાં દરિયાકિનારાનાં રાજ્યો તથા કેન્દ્રશાસિત વિસ્તારોમાં ચેર (મેન્ગ્રૂવ) વાવેતર, મેન્ગ્રૂવ વિસ્તારોનું મેપિંગ, મેન્ગ્રૂવ વિસ્તારોની ભૌગોલિક તથા હાઇડ્રોલોજી સ્થિતિ ચકાસવી, નર્સરી સ્થાપના, જનજાગૃતિ કાર્યક્રમો, તાલીમ અને સંશોધન, મોનિટરિંગ તથા ઈકો ટૂરિઝમ સ્થળો વિકસાવવા અંગેની મિસ્ટી (MISHTI) (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes)યોજના અમલમાં છે.
રાજ્યમાં મિષ્ટી યોજનાની રોજ પર્યાવરણ દિન નિમિત્તે તમામ રાજ્યોમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ દ્વારકા ખાતેથી આ સોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ચેરનાં વૃક્ષો દરિયાકાંઠે ધોવાણ અટકાવવા એક ગ્રીન દીવાલનું કામ કરે છે અને તે માછલીઓના બ્રિડિંગ માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તે રીતે સાગરખેડૂ પરિવારોની રોજગારીમાં મહત્ત્વનો ફાળો આપે છે. વાવાઝોડા સમયે દરિયાકાંઠાને બચાવવા તેમજ ખારાશ વધતી અટકાવવામાં પણ ચેરનાં જંગલોનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. જે આ વિસ્તારની કૃષિ માટે પણ મહત્ત્વપૂર્ણ છે.
આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષમાં આશરે 540 ચો.કિ.મી.માં ચેર વાવેતરના અપાયેલાં લક્ષ્યાંક સામે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 76.55 કરોડનાં ખર્ચે 19,020 હેક્ટર (આશરે 190.2 ચો. કિમી) વિસ્તારમાં વાવેતર પૂર્ણ કરી દેશમાં પ્રથમ ક્રમે છે.