March 1, 2025

ખૈબર પખ્તુનખ્વામાં એક મદરેસા બહાર બ્લાસ્ટ, મૌલાના સહિત 5નાં મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે, આ દરમિયાન પેશાવરમાં એક મસ્જિદ બહાર જોરદાર બ્લાસ્ટ થયો છે. જેમાં મૌલાના સહિત 5 લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે. આ ઉપરાંત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પાકિસ્તાનના એક અહેવાલ પ્રમાણે, ખૈબર પખ્તુનખ્વાના નૌશેરા જિલ્લામાં દારુલ ઉલૂમ હક્કાનિયામાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં JUI-S નેતા મૌલાના હમીદુલ હક હક્કાની સહિત ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે, જ્યારે 20 અન્ય ઘાયલ થયા છે. પ્રાંતીય સરકારે એક નિવેદનમાં પુષ્ટિ આપી છે.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મુખ્યમંત્રીના માહિતી સલાહકાર બેરિસ્ટર મોહમ્મદ અલી સૈફે એક નિવેદનમાં પુષ્ટિ આપી છે કે, મૃતકોમાં મૌલાના હમીદુલ હકનો પણ સમાવેશ થાય છે. વિસ્ફોટ થતાં જ રેસ્ક્યુ ટીમના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, મદરેસાના મુખ્ય હોલમાં શુક્રવારની નમાજ માટે લોકો એકઠા થયા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો.