ડાકોર ટેમ્પલ કમિટીનો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય, ઇતિહાસમાં પહેલીવાર આરતીનું સ્થળ બદલાશે

ડાકોરઃ વારંવાર વિવાદમાં રહેતી ડાકોર ટેમ્પલ કમિટીએ વધુ એક વિવાદાસ્પદ નિર્ણય કર્યો છે. ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલાશે. આરતી સમયે કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર નહીં ઊભા રહી શકે તેવું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 1લી માર્ચથી નિર્ણયની અમલવારી કરવામાં આવશે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં દિવસ દરમિયાનના તમામ ભોગ સમયે આરતી કરવામાં આવે છે. તે તમામ આરતીમાં આ નવો નિયમ લાગુ થશે. હવેથી સિંહાસન તેમજ પાટિયા પર ન ઉભા રહીને નીચેથી સન્મુખ ઉભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, 22/11/24ના રોજ મંગળા આરતી સમયે તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી.
તેને લઈને ડાકોર ટેમ્પલ કમિટીની 10/12/24ની મિટીંગમાં આ અંગે ઠરાવ કર્યો હતો. તેનો 1લી માર્ચ, શનિવારથી અમલ કરવામાં આવશે. જો ભગવાન સન્મુખ ઉભા રહીને વારાદારી આરતી ઊતારે તો ભક્તોને રણછોડજીના દર્શનમાં મુશ્કેલી થઈ શકે છે. વર્ષોથી ચાલી આવતી પ્રથા એક ઘટનાને લઈને બદલવાના નિર્ણયને લઈ ભક્તોમાં રોષની લાગણી છે.