બનાસકાંઠાના બેવટા ગામે મારવાડી પરંપરા મુજબ ઘેર નૃત્ય કરી ધૂળેટીની ઉજવણી કરાઈ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: હોળી-ધૂળેટીના તહેવારને લઈને દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ધૂળેટીના તહેવાર ઉપર લોકો દ્વારા ઘેર નૃત્ય કરી અને ઉજવણી કરવામાં આવતી હોય છે. બનાસકાંઠા રાજસ્થાનની સરહદે આવેલા થરાદના બેવટા ગામે આજે ધૂળેટીના દિવસે રાજપૂત સમાજના વડીલો આગેવાનો અને બાળકો સહિત સમગ્ર ગ્રામજનો દ્વારા ઘેર નૃત્ય કરી રાજસ્થાની મારવાડી પરંપરા મુજબ હોળી-ધૂળેટીવની ઉજવણી કરી હતી.
ઘેર નૃત્ય એ ભારતના રાજસ્થાનના લોકપ્રિય, પ્રખ્યાત લોકનૃત્યોમાનું એક છે. સમગ્ર રાજસ્થાનમાં ઘેર નૃત્ય જોવા મળે છે. ઘેર ઘુમના , ઘેર ખેલના અને ઘેર નાચના તરીકે ઓળખવામાં આવે છે. જેમાં રંગબેરંગી પોશાક, પરંપરાગત વાદ્યો અને મનમોહક નૃત્ય સ્ટેપ્સ આ નૃત્યના મુખ્ય આકર્ષણો છે. ધૂલેટી પર્વને લઇ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં વસતા લોકો પણ ધૂળેટીના દિવસે ઘેર નૃત્ય કરી અને હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે. બનાસકાંઠા રાજસ્થાન સરહદ પર આવેલા થરાદના બેવટા ગામે ગ્રામજનો દ્વારા 100 વર્ષથી હોળી-ધૂળેટી તહેવાર પર મારવાડી ઘેર નૃત્યની ઉજવણી કરવામાં આવે છે, જેમાં અનેક બાળકો વડીલો-યુવાનો પારંપરિક વસ્ત્રો ધારણ કરીને હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરે છે. ગામના દરેક સમાજના લોકો હોળી-ધૂળેટી પર્વમાં જોડાય છે અને ધામધૂમથી આ પર્વની ગ્રામજનો દ્વારા ઉજવણી કરવામાં આવે છે.
થરાદના બેવટા ગામે હોળી ધૂળેટી પર્વની છેલ્લા ત્રણ દિવસથી સતત ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 100 વર્ષથી ગ્રામજનો દ્વારા હોળી ધૂળેટી પર્વ મનાવવામાં આવે છે. બેવટા ગામે રાજપૂત સમાજના યુવાનો, વડીલો, નાના બાળકો સહિત અન્ય સમાજના લોકો પણ આ ધૂળેટી પર્વના યોજાતા ઘેર નૃત્યમાં ભાગ લે છે અને સમગ્ર ગ્રામજનો દ્વારા ધામધૂમ પૂર્વક આ હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે.