March 19, 2025

ઈઝરાયલનો મોટો હુમલો, ગાઝા-લેબનોન અને સીરિયામાં કર્યા હવાઈ હુમલા; અનેક લોકોના મોત

Israel: ઈઝરાયલ સેનાએ સીરિયાના ડેરા પ્રાંત અને દમાસ્કસમાં હવાઈ હુમલા કર્યા છે. જેમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા. આ હુમલાઓ સીરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સમર્થક સેનાના ઠેકાણાઓ પર કરવામાં આવ્યા હતા. આ હુમલામાં હથિયારો અને લશ્કરી વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ઈઝરાયલી સેનાએ ડેરા પ્રાંતમાં સીરિયન લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેમાં ઘણા લશ્કરી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. ઈઝરાયલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે હાલમાં દક્ષિણ સીરિયામાં લશ્કરી લક્ષ્યો પર હુમલો કરી રહ્યા છીએ, જેમાં કમાન્ડ સેન્ટરો અને શસ્ત્રોના ડેપોનો સમાવેશ થાય છે.” ઈઝરાયલે એમ પણ કહ્યું કે તે દક્ષિણ સીરિયામાં કોઈપણ લશ્કરી ખતરાની હાજરીને સહન કરશે નહીં અને તેની સામે કડક કાર્યવાહી કરશે.

ગાઝા અને લેબનોન પર હુમલો
સોમવારે (17 માર્ચ) ઈઝરાયલે ગાઝા, લેબનોન અને સીરિયામાં હવાઈ હુમલા કર્યા. આ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા. આમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ હુમલાઓમાં લશ્કરી ઠેકાણાઓ અને આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યારે ઈઝરાયલ સેનાએ દાવો કર્યો હતો કે આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવવા માટે આ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓ પછી, ગાઝા અને લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધવિરામ પર પણ પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે.

આ પણ વાંચો: નાગપુરમાં હિંસાની હોળી: ઔરંગઝેબની કબરને લઈને હિંસા ફાટી નીકળી, વાહનો સળગાવાયા

ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે અમેરિકાની મધ્યસ્થી હેઠળ યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હોવા છતાં, બંને પક્ષોએ વારંવાર એકબીજા પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ગાઝામાં યુદ્ધવિરામ થયા પછી ઈઝરાયલ સેનાએ ડઝનબંધ પેલેસ્ટિનિયનોને મારી નાખ્યા છે.