સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરી આરોપીઓએ લાખો પડાવ્યાં, જામનગરથી 7ની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ સુરતના ફરિયાદીને 5 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી રૂપિયા 20.50 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લેવાની ઘટનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા જામનગર ખાતેથી સાત આરોપીઓની ધરપકડ કરી છે. મુંબઈથી બેંગકોક બુક થયેલું કુરિયર પાર્સલ પકડાયેલું છે અને આ પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. આ ઉપરાંત તમારા બેંક એકાઉન્ટમાં મોટાપાયે નાણાંકીય વ્યવહારો થયા હોવાથી મને લોન્ડરીંગ અને ડ્રગ્સનો કેસ થયેલો હોય જેમાં તમારી સંડોવણી છે, કહી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાયા હતા. આ ફ્રોડના પૈસા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. બેંક એકાઉન્ટ કમિશન ઉપર લઈ સાઈબર ફ્રોડના નાણા તેમાં ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવતા સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત સાઇબર ક્રાઇમમાં ડિજિટલ એરેસ્ટ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. સુરતના ફરિયાદીને પાંચ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી સાઇબર ફ્રોડ ટોળકીએ 20.50 લાખ પડાવી લીધા હતા. સાયબર ક્રાઇમ સેલના પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદીના મોબાઈલ ઉપર એક કોલ આવ્યો હતો. કોલ કરનારી વ્યક્તિએ બ્લુ ડાર્ટ કુરિયર કંપનીમાંથી અમિતકુમાર તરીકેની ઓળખ આપી હતી. જે વ્યક્તિએ ફરિયાદીને જણાવ્યું કે, તમારું મુંબઈથી બેંગકોક બુક થયેલું કુરિયર પાર્સલ પકડાયું છે. પાર્સલમાંથી પાંચ પાસપોર્ટ, ત્રણ એટીએમ કાર્ડ, એક લેપટોપ, ચાર કિલો કાપડ અને 140 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે. જે બાદ સાયબર ક્રાઇમના ખોટા અધિકારી બની ફરિયાદીને વિડીયો કોલ કર્યો હતો.
આ વીડિયો કોલમાં જણાવવામાં આવ્યું હતું કે, તમારો આધાર કાર્ડ, સીમકાર્ડ ઉપર બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે. જે બેંક એકાઉન્ટમાં મોટાપાયે નાણાકીય આર્થિક વ્યવહારો થયા છે. મની લોડિંગ અને ડ્રગ્સના કેસ પણ થયા છે. જેમાં તમારી પણ સંડોવણી જણાઈ આવી છે. જે અંગે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત સીબીઆઇના લોગોવાળો અને સહી સિક્કા કરેલો ખોટો લેટર પણ ફરિયાદીને મોકલી આપ્યો હતો. તમે તપાસમાં સહકાર નહીં આપો તો ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી. સતત પાંચ દિવસ સુધી સુરતના ફરિયાદીને આ રીતે ડિજિટલ એરેસ્ટ કરી માનસિક ત્રાસ આપી 20.50 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી.
બાદમાં ફરિયાદીને ખ્યાલ આવતા તેમણે આ અંગે સુરત સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અગાઉ સાયબર ક્રાઇમ સેલ દ્વારા જામનગરના નવાઝ હુસેન દાઉદ માણેક અને શાહનવાઝ મહંમદ સિદ્દીક વાઢાની ધરપકડ કરી હતી. જે આરોપીઓએ કમિશન પર બેંક એકાઉન્ટો સાયબર ફ્રોડ આચરતી ટોળકીને ભાડા પટ્ટા પર આપ્યા હોવાનું ખૂલ્યું હતું. તે જ બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી મેળવવામાં આવેલા નાણાં ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું હતું. જે બેંક એકાઉન્ટ અન્ય આરોપીઓને આપ્યા હોવાની કબુલાત કરતા સાઇબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ડિજિટલ એરેસ્ટની આ ઘટનામાં તપાસ કરી રહેલી સુરત સાઇબર ક્રાઈમ સેલ દ્વારા ગુનામાં સંડોવાયેલા વધુ સાત આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમની ટીમ સતત આ કેસને લઈ વર્કઆઉટમાં હતી. જે દરમિયાન જામનગર ખાતેથી વધુ સાત આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા જામનગરના વેપારી નૂરમામદ સાજીદ ઉસ્માન રાજકોટિયા, સુલતાન ઇમ્તિયાઝ અબ્દ રહેમાન અલુલા, એઝાઝ હનીફ કાસમ દરવેશ, મોબાઈલની દુકાનના ધારક મનજીતસિંહ અવતારસિંહ હરિસિંહ સંઘે, રાજદીપસિંહ નટવરસિંહ ઘેલુભા ચુડાસમા, સત્યપાલસિંહ પરાક્રમસિંહ ભીખુભા જાડેજા, યશપાલસિંહ ભરતસિંહ કેસરજી ચૌહાણની ધરપકડ કરી હતી.
આરોપીઓની ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવણી અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલો આરોપી નૂરમામદ રાજકોટિયાએ આરોપી સુલતાન ઇમ્તિયાઝ અલૂલા અને એઝાઝ હનીફ દરવેશ સાથે મળી બજારમાંથી 90 રૂપિયાના ભાવે યુએસડીટી ખરીદ કર્યા હતા. જે યુએસડીટી સાઇબર ફ્રોડ કરનારા ઈસમોને 96 રૂપિયાના ભાવે વેચાણ કર્યા હતા. જે સાઇબર ફ્રોડના રૂપિયા અગાઉ ઝડપાયેલા આરોપી નવાજ હુસેન દાઉદ માણેક પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટ કમિશન ઉપર લઈ તેમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ઝડપાયેલો આરોપી નૂરમામદ અગાઉ પણ જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.
જે રીતે આરોપી નૂર મામદ રાજકોટિયાએ સુલતાન ઇમ્તિયાઝ અલૂલા અને એઝાઝ હનીફ દરવેશ સાથે મળી ગુનો આચર્યો હતો. તેવી જ રીતે આરોપીઓ સુલતાન, એઝાઝ, મનજીતસિંહ, રાજદીપસિંહ, સત્યપાલસિંહ અને યશપાલસિંહ ચૌહાણ દ્વારા એકબીજાના મેળાપીપળામાં કમિશન પેટે લીધેલા બેંક એકાઉન્ટની અંદર સાઇબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરાવ્યા હતા. તમામ આરોપીઓની હાલ સુરત સાઇબર ક્રાઈમ સેલ દ્વારા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓએ આ પ્રમાણે કેટલા બેંક એકાઉન્ટ ભાડા પટ્ટા પર કમિશન પર લઈ તેમાં સાઇબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરાવ્યા છે તેની ઝીણવટભરી તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે તપાસના અંતે મોટા ખુલાસા થવાની શક્યતાઓ રહેલી છે.