પહલગામ હુમલા બાદ આતંકવાદી આસિફનું ઘર બોમ્બથી ઉડાવ્યું, આદિલના ઠેકાણા પર બુલડોઝર કાર્યવાહી

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના બે દિવસ પછી, સુરક્ષા દળોએ કડક કાર્યવાહી કરી છે અને આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી હતી ત્યારબાદ સુરક્ષા દળો સતત સક્રિય છે. પહલગામ હુમલામાં સામેલ આતંકીના ઘરને સુરક્ષા દળોએ બોમ્બથી ઉડાવી દીધું, તો બીજાનું ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું.
આ સંદર્ભમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ ત્રાલમાં આતંકવાદી આસિફ શેખના ઘરે પહોંચી, જ્યાં મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. આ સમય દરમિયાન એક વિસ્ફોટમાં તેનું ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું. બીજી તરફ આતંકવાદી આદિલ શાહના ઘર પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને આખું ઘર જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું.
22 એપ્રિલે બૈસરન ખીણમાં થયેલા આ આતંકવાદી હુમલા પછી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા આતંકવાદી આસિફ અને આદિલ સુરક્ષા દળોને ખુલ્લેઆમ પડકાર ફેંકતા જોવા મળ્યા હતા. આ વીડિયોના આધારે તેની ઓળખ કરવામાં આવી હતી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
View this post on Instagram
બંને આતંકવાદીઓ લશ્કર સાથે સંકળાયેલા
સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સામેલ બંને આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્યો હોવાનું કહેવાય છે. આ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ મોટા પાયે તપાસ અભિયાન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં, લગભગ 2000 લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને ઘણા શંકાસ્પદોની અટકાયત પણ કરવામાં આવી છે. બૈસરન ખીણમાં થયેલા આ જઘન્ય હુમલામાં કુલ 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાંથી 25 હિન્દુ હતા જ્યારે એક આદિલ શાહ અનંતનાગનો સ્થાનિક રહેવાસી હતો.
મોટાભાગના મૃતકોના અગ્નિસંસ્કાર ગુરુવારે કરવામાં આવ્યા હતા. હવે NIA એ આ આતંકવાદીઓને શોધવા માટે તપાસ હાથ ધરી છે જેઓ ધર્મ વિશે પૂછીને ગોળીબાર કરે છે. ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ આ આતંકવાદીઓને લઈ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એવું માનવામાં આવે છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ પણ આસપાસના જંગલોમાં છુપાયેલા હોઈ શકે છે.