ગોંડલમાં રાજકીય-સામાજિક ઘમાસાણ, અલ્પેશ કથીરિયા બોલ્યા – ગોંડલ મિર્ઝાપુર બન્યું તો જયરાજસિંહે કહ્યું – ગોંડલની જનતા જવાબ આપશે

રાજકોટઃ ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ ચરમસીમાએ પહોંચ્યો છે. ગણેશ જાડેજાની ચેલેન્જ બાદ અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા હતા. ત્યારબાદ વિવાદ વધુ વકર્યો હતો.
ગણેશ જાડેજાના સમર્થકોએ કાળા વાવટા સાથે તેમનો વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ અલ્પેશ કથીરિયા દોઢ કલાકમાં જ ગોંડલથી રવાના થઈ ગયા હતા. આ વિરોધ કરી રહેલા સમર્થકોને કારથી કચડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગોંડલમાં અફરાતફરીનો માહોલ સર્જાયા બાદ લોકોમાં આક્રોશ છવાયો હતો અને ગણેશ ગોંડલના સમર્થનમાં પ્રજા રસ્તા પર ઉતરી હતી. લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે, ગોંડલની શાંતિ બગાડવાનો પ્રયત્ન ન કરો.
આ સમગ્ર મુદ્દે જયરાજસિંહે કોંગ્રેસ અને અલ્પેશ કથીરિયા પર આક્ષેપ કરતા કહ્યુ કે, ગોંડલમાં કોંગ્રેસ પ્રેરિત ષડયંત્ર કરવામાં આવ્યું છે. અલ્પેશ કથીરિયાને જયરાજસિંહે કહ્યું કે, અણવર ન બનો, ચૂંટણીમાં વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને બરાબર જવાબ આપશે. તો જયરાજસિંહને જવાબ આપતા કથીરિયાએ કહ્યું કે, આ ગોંડલ નથી મિર્ઝાપુર છે. બીજી તરફ જયરાજસિંહના આક્ષેપ પર કોંગ્રેસે કહ્યું કે, આ તો BJPની આંતરિક લડાઈ છે.