પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાત વધી, ફ્રાન્સ સાથે 26 Rafale-Mની કરી ડીલ

India France 26 Rafale: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, ભારત અને ફ્રાન્સે આજે દિલ્હીમાં 26 રાફેલ મરીન ફાઇટર જેટ માટે 63,000 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા. ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કર્યું હતું, જ્યારે નૌકાદળના નાયબ વડા વાઇસ એડમિરલ કે સ્વામીનાથન પણ હાજર હતા. અગાઉ, ફ્રાંસના સંરક્ષણમંત્રી પોતે હસ્તાક્ષર સમારોહમાં હાજરી આપવાના હતા, પરંતુ તેમણે અંગત કારણોસર તેમની મુલાકાત રદ કરવી પડી હતી.

Rafale M જેટ INS વિક્રાંતથી ઓપરેટ થશે અને હાલના MiG-29K કાફલાને પૂરક બનાવશે. ભારતીય વાયુસેના પહેલાથી જ 2016માં મેળવેલા 36 રાફેલ જેટનો કાફલો ચલાવે છે. આ વિમાનો અંબાલા અને હાસીમારા ખાતે સ્થિત છે. આ નવા સોદાથી ભારતમાં રાફેલ જેટની કુલ સંખ્યા 62 થશે, જેનાથી દેશના 4.5-જનરેશનના ફાઇટર એરક્રાફ્ટના કાફલાનો નોંધપાત્ર વિસ્તાર થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય એરક્રાફ્ટ કેરિયર્સ, ખાસ કરીને INS વિક્રાંત પર તૈનાત કરવા માટે 26 રાફેલ મરીન ફાઇટર એરક્રાફ્ટની તાકીદની જરૂરિયાત છે.

મિગ-29કે ફાઇટર એરક્રાફ્ટના કાફલાને દૂર કરવાની તૈયારીઓ
નોંધનીય છે કે, ખરાબ પ્રદર્શન અને જાળવણીની સમસ્યાઓને કારણે મિગ-29K ફાઇટર એરક્રાફ્ટના હાલના કાફલાને નિવૃત્ત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સમિતિએ 9 એપ્રિલના રોજ સૌથી મોટા સંરક્ષણ સોદાને મંજૂરી આપી હતી. આ મહિનાની શરૂઆતમાં, 9 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠક દરમિયાન ભારતે 26 રાફેલ મેરીટાઇમ ફાઇટર એરક્રાફ્ટ માટેના તેના સૌથી મોટા સંરક્ષણ સોદાને મંજૂરી આપી હતી. આ કરારમાં 22 સિંગલ-સીટર અને ચાર ટ્વીન-સીટર જેટનો સમાવેશ થાય છે, સાથે જ કાફલાના જાળવણી, લોજિસ્ટિક્સ સપોર્ટ, કર્મચારીઓની તાલીમ અને સ્વદેશી ઘટક ઉત્પાદન માટે વ્યાપક પેકેજનો પણ સમાવેશ થાય છે.