December 21, 2024

‘સંદેશખાલી’ હિંસાનો વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ

Sandeshkhali Violence: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તાજેતરમાં જ મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક ટીએમસી નેતા શેખ શાહજહાં અને તેની ગેંગ દ્વારા તેમની જાતીય સતામણી કરવામાં આવી હતી, ત્યાર બાદ હિંસા ફાટી નીકળી હતી.  સંદેશખાલીમાં ફાટી નીકળેલી હિંસા અંગે પશ્ચિમ બંગાળમાં હોબાળો ચાલુ છે. સંદેશખાલી (Sandeshkhali) હિંસાનો વિરોધ કરવા ત્યાં જઈ રહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ સુકાંત મજુમદાર પણ ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસના લાઠીચાર્જ દરમિયાન મજુમદાર ઘાયલ થયા હતા. ઘાયલ થયા બાદ પશ્ચિમ બંગાળ ભાજપના મજુમદારને બશીરહાટ મલ્ટી-ફેસિલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે કોલકાતા લઈ જવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

મજમુદાર સંદેશખાલી જવા માંગતા હતા
નોંધનીય છે કે અગાઉ મજુમદારે આરોપ લગાવ્યો હતો કે બંગાળ પોલીસે તેમને ઉત્તર 24 પરગના જિલ્લામાં સંદેશખાલી જતા રોકવા માટે તેમના લોજને કોર્ડન કરી લીધું હતું. મજમુદારે આંદોલનકારીઓને મળવા બપોર પછી સંદેશખાલી જવાની જાહેરાત કરી હતી. એસપી કાર્યાલયની ઘેરાબંધી દરમિયાન બશીરહાટમાં ભાજપના સમર્થકોની પોલીસ સાથે ઘર્ષણના એક દિવસ પછી બંગાળ પોલીસે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારને તાકીમાં ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળતા અટકાવ્યા હતા.

મમતા બેનર્જી પર નિશાન સાધ્યું
ઘાયલ થતાં પહેલાં મીડિયા સાથે વાત કરતાં સુકાંત મજુમદારે કહ્યું, “બશીરહાટ અને પશ્ચિમ બંગાળમાં અન્ય ઘણા સ્થળોએ હિંદુઓએ ગુપ્ત રીતે પ્રાર્થના કરવી પડે છે. દુર્ગા પૂજા દરમિયાન મૂર્તિ વિસર્જન મમતા બેનર્જી દ્વારા પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યું છે, વધુમાં કહ્યું કે ‘આ મમતા બેનર્જીની ગંદી રાજનીતિ છે. તે માત્ર તુષ્ટિકરણની રાજનીતિ વિશે જ વિચારે છે, લોકોના વિકાસ વિશે નહીં. હું સંદેશખાલી જવાનો પ્રયત્ન કરીશ, જુઓ પોલીસ મને રોકવાનો પ્રયાસ કરે છે કે નહીં.’ ભાજપના નેતાઓને રોકવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાંતિ જાળવવા માટે સંદેશખાલીના કેટલાક ભાગોમાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરી દેવામાં આવ્યા છે. સુકાંત મજમુદાર સંદેશખાલી જવા માંગે છે, પરંતુ તેમને રોકવામાં આવી રહ્યા છે.

પોલીસે હદ વટાવી દીધીઃ અમિત માલવિયા
બીજી બાજુ BJP IT સેલના વડા અમિત માલવિયાએ X પર આ મામલે પોસ્ટ કર્યું હતું. પોસ્ટ પર લખ્યું, ‘પશ્ચિમ બંગાળ પોલીસે તમામ હદો વટાવી દીધી છે. તેમણે મમતા બેનર્જીને ખુશ કરવા માટે દરેક નિયમનો ભંગ કર્યો છે. પોલીસ સાથેની અથડામણમાં બીજેપી બંગાળના અધ્યક્ષ સુકાંત મજુમદારને ઈજા થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મમતા બેનર્જી અને પશ્ચિમ બંગાળ પોલીસને જણાવી દઈએ કે તેઓ સંદેશખાલીની મહિલાઓના ન્યાય માટે ભાજપના આંદોલનને બંધ નહીં કરાવી શકે. અમે પશ્ચિમ બંગાળમાં મહિલાઓને મમતા બેનર્જીની ક્રિમિનલ સિન્ડિકેટની વાસનાનો શિકાર બનવા નહીં દઈશું અને અમારી લડત ચાલુ રહેશે.