December 23, 2024

NASAએ પ્રમુખ સ્વામી મહારાજના સંદેશાવાળી ડિસ્ક ચંદ્ર પર મોકલી

અમદાવાદ: NASA અને SpaceX ના સહિયારા ઉપક્રમથી ચંદ્ર પર સફળતાપૂર્વક IM-1 ઉતરાણ કર્યું છે. કમર્શિયલ લેન્ડરની ડિસ્કમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા ગુરુદેવ અને વિશ્વવંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ(1921-2016) ના વૈશ્વિક કાર્ય અને જીવનભાવનાને પ્રતિબિંબિત કરતો સંદેશ કોતરવામાં આવ્યો હતો. જેમા મિશન ડિરેક્ટર ટીમ ક્રેન દ્વારા આ મિશનની સફળતાની જાહેરાત કરવામાં આવી હતી, ઓડિસીયસને તેનું નવું ઘર મળ્યું છે. IM-1 લેન્ડરના ચંદ્ર પરના દક્ષિણ ધ્રુવ પરના સફળતાપૂર્વક ઉતરાણની સાથે સાથે, આ લેન્ડરમાં એરોસ્પેસ કંપની ‘રિલેટિવ ડાયનેમિક્સ’ દ્વારા નિર્મિત અને પ્રમુખ સ્વામી મહારાજના સંદેશાને અંકિત કરતી ડિસ્કના ચંદ્ર પર પહોંચવાની ક્ષણોને સૌએ વધાવી લીધી હતી.

નોંધનીય છે કે, આ મિશન છેલ્લાં 50 વર્ષોમાં યુ. એસ. એ. ના એરક્રાફ્ટ દ્વારા ચંદ્રની સપાટી પરના સૌપ્રથમ નિયંત્રિત ઉતરાણ હોવાની સાથે સાથે NASA ના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સનના કહેવા મુજબ “માનવજાતની સફળતા” રૂપ પણ છે. આ સફળતા વિજ્ઞાન અને આધુનિકતમ ટેકનોલોજીના અદભુત વિનિયોગની સાથે કરુણા અને સંવાદિતાને મૂર્તિમંત કરી બતાવનાર આધ્યાત્મિક ગુરુના વૈશ્વિક સંદેશમાં છે. “Intuitive Machines (ઈંટયુટીવ મશીન્સ) અને Relative Dynamics (રિલેટિવ ડાયનેમિક્સ), એ બંનેના સહકારથી નિર્મિત IM-1 મિશન BAPS સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા ગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને શાશ્વત અંજલિ આપવા જઈ રહ્યું છે. હિન્દુ આધ્યાત્મિક ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના નિસ્વાર્થ સેવામય જીવનને અંજલિ અર્પતા શબ્દો ડિસ્ક પર કોતરવામાં આવ્યા છે. અવકાશ સંશોધનમાં રાષ્ટ્રો અને વિવિધ કોર્પોરેશનો વચ્ચેનો આ પ્રકારનો સાંસ્કૃતિક સહયોગ સહિયારા મૂલ્યો, પ્રયત્નો અને જવાબદારીને વિકસિત કરે છે.”

IM-1 ના ઉતરાણ પહેલાં Intuitive Machines (ઈંટયુટીવ મશીન્સ) દ્વારા પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન અને સંદેશને linkedin પર આ રીતે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ‘પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ ની અમદાવાદ ખાતે ઉજવણી દરમિયાન 29 ડિસેમ્બર, 2022 ના રોજ આ ડિસ્કને BAPSના વર્તમાન આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમક્ષ દર્શાવવામાં આવી હતી. આ ડિસ્કમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પણ વિશ્વમાં સૌની સુખાકારી અને શાંતિ માટે વ્યક્ત થયેલી પ્રાર્થના મૂકવામાં આવી છે. “બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે. આ જીવનસૂત્ર સાથે, વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને આપણાં સમયના મહાન સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તેઓનું સમગ્ર જીવન માનવજાતના ઉત્કર્ષ માટે સમર્પિત કર્યું. તેઓના જન્મશતાબ્દીના અવસરે, હું ભગવાન સ્વામિનારાયણના પાવન ચરણોમાં પ્રાર્થના કરું છું કે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને આત્મસાત કરીને સૌ પરમ આનંદ અને સુખ પ્રાપ્ત કરે. સમગ્ર વિશ્વમાં એકતા અને સંવાદિતા સ્થપાય. સર્વત્ર પરસ્પર પ્રેમ અને આદર વધે. સૌના શુભ સંકલ્પો સાકાર થાય.”

આ અંગે Intuitive Machines ના સીઇઓ સ્ટીફન આલ્ટેમસે જણાવ્યું કે, “સૌના સહિયારા સહયોગ અને સહિયારા મૂલ્યો દ્વારા અવકાશી સંશોધનો આપણા સૌના માટે સમગ્ર માનવજાત માટે છે. આ રીતે IM-1 દ્વારા સનાતન હિંદુ ધર્મની ‘વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના અને સંવાદિતા, એકતા અને કરુણાનો સાર્વત્રિક સંદેશ ચંદ્ર પર પહોંચ્યો છે.