રાજ્યસભા ચૂંટણીના બહાને હિમાચલમાં ‘ઓપરેશન લોટસ’ના સંકેત, 9 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ…!
Rajya sabha election 2024: રાજ્યસભાની ચૂંટણી યુપીથી લઈને હિમાચલ પ્રદેશ સુધી ક્રોસ વોટિંગના ખેલ જોવા મળી રહ્યાં છે. યુપીમાં સપાના અડધા ડઝનથી વધુ ધારાસભ્યોના ક્રોસ વોટિંગ બાદ હવે હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની એક બેઠકની ચૂંટણીમાં અડધા ડઝનથી વધુ કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ વોટિંગના સમાચાર સામે આવ્યાં છે. માહિતી અનુસાર કોંગ્રેસના ઓછામાં ઓછા નવ ધારાસભ્યોએ કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા વ્હીપથી અલગ રહીને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના નવથી વધુ ધારાસભ્યો ભાજપની તરફેણમાં ક્રોસ વોટ કરે તેવી સંભાવના છે. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ પાછળ હિમાચલ કોંગ્રેસની જૂથવાદ મુખ્ય કારણ સામે આવ્યું છે. હકિકતે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના બે જૂથ છે. વીરભદ્ર સિંહના સમર્થકોનો એક વર્ગ છે જેનું નેતૃત્વ પ્રતિભા સિંહ કરી રહ્યા છે. બીજુ જૂથ એવા ધારાસભ્યો અને નેતાઓનું છે જે સીએમ સુખવિંદર સિંહ સુખુની સાથે છે. નોંધનીય છે કે ભાજપે કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી સામે એક સમયે વીરભદ્ર સિંહના નજીકના ગણાતા હર્ષ મહાજનને મેદાનમાં ઉતાર્યા છે. હર્ષ મહાજનના કોંગ્રેસના ઘણા ધારાસભ્યો સાથે સારા સંબંધો હોવાની પણ ચર્ચા થઈ છે. બીજી બાજુ ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને કહ્યું છે કે હું બધાને ઓળખું છું. મેં દરેક પાસે વોટ માંગ્યા છે. હવે પરિણામ ત્યારે ખબર પડશે. ક્રોસ વોટિંગ અંગેના સવાલ પર તેમણે કહ્યું કે જો આવું થયું હોય તો તે અમારી ભૂલ નથી. વધુમાં કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો મુખ્યમંત્રીની કાર્યશૈલીથી નારાજ છે. આ નારાજગીના કારણે ક્રોસ વોટિંગ થયું છે જે તેમની ભૂલ છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગને ઓપરેશન લોટસનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
સુખુ સરકારને કેવી રીતે ખતરો છે
રાજ્યસભાને બદલે ગણિતથી કોંગ્રેસની સુખુ સરકાર પર ખતરો આવી શકે છે. વાસ્તવમાં હિમાચલ પ્રેદશ વિધાનસભામાં 68 ધારાસભ્યો છે. કોંગ્રેસના 40, બીજેપીના 25 અને બે અપક્ષ સહિત અન્ય ત્રણ ધારાસભ્યોનું સમર્થન પણ સુખુ સરકારને છે. એટલે કે કોંગ્રેસની તરફેણમાં 43 ધારાસભ્યો છે અને ભાજપ પાસે 25 છે. હવે જો નવ ધારાસભ્યોએ કોંગ્રેસને બદલે ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું તો આવી સ્થિતિમાં ભાજપનું વોટ ગણિત 34 પર પહોંચી જશે. બીજી બાજુ ભાજપને વિશ્વાસ છે કે કોંગ્રેસના ઘણા ધારાસભ્યો હર્ષને બીજી પસંદગીનો મત આપશે અને પાર્ટી જીતશે. જો આમ થશે તો સુખુ સરકાર માટે પણ આ ખતરાની ઘંટડી હશે. 68 સભ્યોની હિમાચલ વિધાનસભામાં બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડો 35 ધારાસભ્યોનો છે.
કોંગ્રેસના ધારાસભ્યો કેમ નારાજ છે?
વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ સીએમ જયરામ ઠાકુરે દાવો કર્યો હતો કે પાર્ટી લાઇનથી અલગ થયેલા ઘણા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. મતદાન પહેલા તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હતા કે ધારાસભ્યો તેમના અંતરાત્મા મુજબ મતદાન કરશે. જયરામ ઠાકુરના દાવા બાદ 2017ની ચૂંટણીમાં સુજાનપુર વિધાનસભા સીટ પરથી પ્રેમ કુમાર ધૂમલને હરાવનાર કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર રાણાના નિવેદને કોંગ્રેસનું ટેન્શન વધારી દીધું હતું. બીજી બાજુ રાજેન્દ્ર રાણાએ મંત્રી ન બનાવવાની પીડાને વ્યક્ત કરતા કહ્યું કે સુજાનપુરના મતદારોનું અપમાન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મને મંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી છે પરંતુ હવે મારા કેબિનેટમાં સામેલ થવાનો સવાલ જ નથી. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું તેની ચર્ચાએ જોર પકડ્યું હતું. વધુમાં કહ્યું કે ઘણા ધારાસભ્યોને મંત્રી ન બનાવવામાં આવતા અને કોઈ કોર્પોરેશન બોર્ડના ચેરમેન ન બનાવવામાં આવતા નારાજ છે.